ખેરગામ: આદિવાસી સમાજ વર્ષોથી પ્રકૃતિપૂજક રહ્યો છે અને પ્રકૃતિ અનુસાર પોતાના તહેવારો ઉજવતો રહ્યો છે. અનાજની કાપણી પૂરી થાય એટલે “કંસેરી”નો તહેવાર ખુબ જ ભવ્ય રીતે ઉજવે છે.ખેરગામ તાલુકાના પાટી ગામમાં હનુમાન ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ પટેલ,ઠાકોરભાઈ પટેલ,મોહનભાઇ પટેલ અને સંજયભાઈ પટેલ નામના આદિવાસી સમાજના ગ્રામજનોએ સામુહિક રીતે કંસેરીની પૂજા રાખી જમણવાર કરાવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં જેમાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું હતું.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે કંસેરી એટલે એક કણ જમીનને રોપીને જમીનમાંથી શેર અનાજ પેદા કરતી મા પ્રકૃતિ માતાની વંદનાનો તહેવાર.આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલો રહ્યો છે અને આદિવાસીઓના તહેવારો પણ વિવિધ ઋતુઓ અનુસાર વિવિધતાયુક્ત હોય છે.કંસેરીના તહેવારમાં કંસેરી માતાના ઉત્તપત્તિથી લઈને લગ્ન થાય ત્યાંસુધીના પ્રસંગોની કથા કરવામાં આવે છે.
આદિવાસી ભગતો પરંપરાગત વાજીંત્ર ઘાંઘળી વગાડીને આખી રાત માતાજીની પૂજા કરે છે.કંસેરી તહેવાર નિમિત્તે યજમાનપદે કનુભાઈ પટેલ અને એમના પરિવારજનોએ સુંદર વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે ભુલાભાઇ, મુકેશભાઈ, કાર્તિક, ડો.કૃણાલ, નમ્રતા સહિતના વિવિધ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.