રીસર્ચ: 150 કરોડ રૂપિયાની વેતન ચોરી માટે જવાબદાર દક્ષિણ ગુજરાતની સહકારી સુગર ફેક્ટરીઓ સુગર ફેક્ટરી વ્યવસ્થાપન ન્યૂનતમ વેતન ના ચૂકવવા બદલ પોતાના ઉપર થયેલા કેસો પરત ખેંચવા મજૂરો પર દબાણ કરી રહી છે. સુરત, 4 ડિસેમ્બર 2024. ગુજરાતની સહકારી સુગર ફેક્ટરીઓ 1.5 લાખ આદિવાસી શેરડી કાપણી શ્રમિકોને મિનિમમ વેતન ચૂકવી રહ્યાં નથી, જેના કારણે શ્રમિકોને રૂ. 150 કરોડનું નુકસાન થઇ રહ્યું છે. જ્યારે આ શ્રમિકો લેબર કોર્ટમાં ફરિયાદ નોંધાવે છે, ત્યારે તેમને હેરાનગતિ અને કામથી વંચિત થવું પડે છે.
ગણદેવી સુગર ફેક્ટરીનું વ્યવસ્થાપન તે શ્રમિકો પર દબાણ લાવી રહ્યું છે, જેમણે ન્યૂનતમ વેતન નહીં ચુકવવા માટેના કેસ નોંધાવ્યા છે અને આ દબાણ કામ આપવાની ના પાડીને શરુ કર્યું છે. રાજ્ય સરકારે 1 એપ્રિલ 2023થી મિનિમમ વેતન રૂ. 238 પ્રતિ ટનથી વધારીને રૂ. 476 પ્રતિ ટન કર્યુ હતું. છતાં કારખાનાઓ શ્રમિકોને માત્ર રૂ. 375 પ્રતિ ટન વેતન આપી રહી છે.
ગણદેવી ખાંડ કારખાનાના 16 શ્રમિકો દ્વારા ન્યૂનતમ વેતન નહીં ચૂકવવા અંગે 2023માં નવસારીના સરકારી શ્રમ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે ફેક્ટરીના વ્યવસ્થાપન દ્વારા ન્યૂનતમ વેતન ચૂકવવા માટેના ઉકેલ પર સંમતિ હતી નહીં, ત્યારે GLO દ્વારા શ્રમિકોને ન્યૂનતમ વેતન માટે લેબર કોર્ટમાં કેસો ફાઈલ કરવાની સલાહ આપવામાં આવી. આ કેસો 16મી મે 2024ના રોજ લેબર કોર્ટ નવસારીમાં ફાઈલ કરવામાં આવ્યા.
કેસો ચાલી રહ્યાના દરમિયાન, ફેક્ટરી વ્યવસ્થાપન દ્વારા શ્રમિકોને કેસ પાછા ખેંચવા દબાણ કરી રહી છે. શરૂઆતમાં તેમને જે લેબર કોન્ટ્રાક્ટરના શ્રમિકો દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યા હતા એ કોન્ટ્રાક્ટરોને કામ આપવાનું બંધ કરી દીધું. ત્યારબાદ, શ્રમિકો પર સીધું દબાણ લાવી તેમને કેસ પાછા ખેંચવા મજબુર કરવામાં આવ્યા. આ દબાણમાં બે શ્રમિકોએ કેસ પાછા ખેંચી લીધા છે, પણ બાકીના 14 શ્રમિકો હજુ પણ હિમતથી ઉભા છે. હવે આ શ્રમિકોને તેમના કામના સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા છે અને બીજા જિલ્લાના દુરના સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. છેલ્લી મુદ્દતે “મજૂર અદાલત ના જજ સાહેબ શ્રીએ આ સાતે સાત કેસોને યુનિયન ની સંમતિ લીધા સિવાય સ્વયંભૂ રીતે 14/12/2024 ના રોજ યોજાનારી લોક અદાલત મા લિસ્ટ કરેલ છે.”
દર વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રના લગભગ 1.5 લાખ આદિવાસી શ્રમજીવી શ્રમિકો દક્ષિણ ગુજરાતના 14 સહકારી સુગર ફેક્ટરીઓમાં શેરડી કાપવા માટે માટે જાય છે. શ્રમિકો તેમના પરિવાર સાથે છ મહિનાના સમયગાળામાં અસુવિધાજનક અને દયનિય સ્થાનોમાં વસવાટ કરે છે. ઓછું વેતન અને ખરાબ રહેણાંક સ્થિતિનો મુદ્દો ઘણી વખત જાહેર તપાસ અને મીડિયા રિપોર્ટમાં ઉઠાવવામાં આવ્યો છે, છતાં પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. ન્યૂનતમ વેતન નહીં ચૂકવવાના કારણે શ્રમિકોને રૂ. 150 કરોડનું નુકસાન થઇ રહ્યું છે.
મજૂર અધિકાર મંચ ડાંગ ફેક્ટરી વ્યવસ્થાપનના આ અભિગમના કડક વિરોધમાં છે. તે શ્રમિકો માટે રક્ષણ, કેસોના ઝડપથી નિકાલ અને તમામ શ્રમજીવીઓને ન્યૂનતમ વેતન ચૂકવવાનું સત્તાવાર રીતે માંગ કરે છે અને જો એ ન થાય તો મજૂરો આંદોલન કરવા માટે મજબૂર થશે.
જયેશ ગામિત
સચિવ, મજૂર અધિકાર મંચ ડાંગ
ફોન: 6351649234