ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો અંકલેશ્વર રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થયે વર્ષો વિતવા છતાં કામગીરી અધુરી રહેતા માર્ગ જંયાં તૈયાર થઇ ગયો હતો તેવા સ્થળોએ પણ માર્ગ ગાબડાઓ પડીને બિસ્માર બની ગયો હતો,જેને લઇને વાહનચાલકોને પડતી હાડમારી યથાવત રહી હતી.
આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો મહત્વનો માર્ગ હોઇ સ્ટેચ્યુની મુલાકાતે જતા સહેલાણીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારબાદ હાલમાં રાજ્યમાં રસ્તાઓના નવીનીકરણની કામગીરી હાથ ધરાતા આ મહત્વના ધોરીમાર્ગને દુરસ્ત બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો આ ધોરીમાર્ગ ઝઘડિયા તાલુકામાંથી પસાર થાય છે, ત્યારે તાલુકામાંથી પસાર થતા આ ધોરીમાર્ગ પર હાલ ઠેરઠેર કામગીરી થતી દેખાઇ રહી છે. માર્ગ રિપેરિંગની આ કામગીરી દરમિયાન કેટલાક સ્થળોએ જ્યાં રોડ થોડો ડામરવાળો દેખાતો હોય પરંતું તેના પર તિરાડો પડેલ હોય તેવા સ્થળોએ એટલી જગ્યા છોડીને માર્ગ બનાવાતો હોવાનું સામે આવ્યું છે,ત્યારે રોડ પર પર પડેલ તિરાડોને લઇને બિસ્મારતાની નજીક પહોંચી ગયેલ સ્થળોએ માર્ગ પર ડામર કામગીરી છોડી દેવાતા માર્ગનું ભવિષ્ય કેટલું ગણાય ? માર્ગ રિપેરિંગ દરમિયાન જોવા મળતી આવી કામગીરીથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ત્યારે આ બાબતે વિવિધ સવાલો ઉભા થઇ રહ્યા છે, હાલના આયોજનમાં આ મુજબની કામગીરી કરવાનું ઠરાવાયું છે કે પછી જેતે કોન્ટ્રાક્ટર દ્વારા આવી “મટિરિયલ બચાવો “જેવી કામગીરી કરીને વધુ આર્થિક લાભ મેળવવાની નિતી અપનાવાય રહી છે ? આવા સવાલો વચ્ચે તાલુકામાં વિવિધ લોકચર્ચાઓએ વેગ પકડ્યો છે. વળી જ્યાં ગાબડાઓ પુરવાની જરૂર હોય તેવા સ્થળોએ ગાબડા પુરવામાં રોડનું લેવલ જળવાતું નથી,તેને લઇને કેટલાક સ્થળોએ પુરેલ ગાબડાઓ રોડના લેવલથી બે ઇંચ જેટલા ઉંચા પણ દેખાય છે, તેને લઇને પણ વાહનચાલકોએ તકલીફ ભોગવવી પડતી હોવાની લાગણી પણ લોકોમાં સ્પષ્ટપણે દેખાઇ રહી છે.
લાંબા સમયથી બિસ્માર બનેલ આ ધોરીમાર્ગને ફરીથી દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરાતા જનતામાં ખુશી ફેલાઇ હતી, પરંતું આવી લોલમલોલ જેવી કામગીરીથી રોડ થોડા સમયમાંજ બિસ્માર બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે જવાબદાર તંત્ર આ સંદર્ભે યોગ્ય અને ન્યાયિક તપાસ હાથ ધરીને રોડ સાચા અર્થમાં લોકો માટે સુવિધાસભર બનાવવા આગળ આવે તેવી લોકલાગણી અને લોકમાંગણી જોવા મળે છે.