વલસાડ: પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગાય સહાય યોજના હેઠળ ખેડૂતોને દેશી ગાયના નિભાવણી ખર્ચ પેટે દર મહિને રૂ. 900ની સહાય તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. એટલે કે, વાર્ષિક રૂ. 10,800 ની સહાય આપવાની યોજના અમલમાં છે.
વલસાડ જિલ્લામાં કુલ 3239 ખેડૂત લાભાર્થીઓને વર્ષ દરમિયાન 3 કરોડ 49 લાખ ચૂકવવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 1771 ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. ગાય સહાય યોજના ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોના સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ગણી શકાય. દેશી ગાયનો ઉછેર તેનું જનત અને સંવર્ધનની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને મદદરૂપ થવા માટે નાણાકીય સહાય પૂરી પાડી ખેડૂતોને આર્થિક રીતે ટેકો આપે છે. જેનાથી કૃષિ ઉત્પાદકતામાં વધારો થવાની સાથે પર્યાવરણનું સંતુલન, સંરક્ષણ અને ગ્રામીણ
આજીવિકામાં પણ યોગદાન આપે છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેકટના ડેપ્યુટી ડાયરેકટર વિમલભાઈ પટેલે જણાવ્યું કે, આ યોજનાનો લાભ જે ખેડૂત પાસે એક એકર જમીન હોય, દેશી ગાય હોય અને પ્રાકૃતિક ખેતી કરતો હોય તેને જ મળવા પાત્ર છે. આઈ-ખેડૂત પોર્ટલ ખુલે ત્યારે તેના પર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. આ યોજનાના લાભ માટે સાત-બાર, આઠ- અ નો ઉતારો, આધાર કાર્ડ અને બેંક પાસ બુક અપલોડ કરવાની રહે છે. આમ, આ યોજનાના લાભથી ખેડૂતોનો ખાતરનો ખર્ચ ઘટી રહ્યો છે