વલસાડ: પારડી ખાતે 19 વર્ષિય દીકરી પર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટના ખૂબ જ કરુણ અને વેદના સભર છે. આ પ્રકારની ઘટના ક્યારેય કોઈ પણ રાજ્યમાં ન બને તેવી પ્રાર્થના કરી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને અનેક રાજ્યોમાં 8 હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર ઝનૂની, ક્રૂર, નિર્દય અને અમાનુષી સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, તેનો શ્રેય રાજ્યના નાગરિકો, ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે. ગુજરાતમાં કોઈ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબૂત ટીમ વર્કથી ટેક્નોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે રાત-દિવસ એક કરીને ગણતરીના કલાકોમાં ગુનેગારો શોધી કાઢે છે તેના ઉપર મને ગર્વ છે.
વધુમાં જણાવ્યું કે, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં મળી કુલ છ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરનાર આ સિરિયલ કિલરે વધુ બે હત્યાના ગુનાઓની કબૂલાત પોલીસ પૂછપરછ દરમિયાન કરી છે. દુષ્કર્મ અને હત્યા જેવા ગંભીર આઠ ગુનાઓ ઉપરાંત આ ગુનેગારે ટ્રક ચોરી, આર્મ્સ એક્ટ, સરકારી નોકર પર હુમલો જેવા અન્ય 13થી વધુ ગુનાઓ આચર્યા છે. જો ગુજરાત પોલીસે આ સિરિયલ કિલરને ના પકડયો હોત તો હજુ ક્યાં ક્યાં જઈને આ કિલર ગુનાઓ આચરતો તે કહેવું અને અંદાજ લગાવવો પણ મુશ્કેલ હતો. આટલા રાજ્યોમાં દીકરીઓને પીંખી નાખીને હત્યા કરનાર આ ગુનેગાર જો પહેલા જ ગુનામાં પકડાઈ ગયો હોત કે તેને હ્યુમન ગ્રાઉન્ડ ઉપર જામીન ન મળ્યા હોત તો આજે આપણી ગુજરાતના પારડી વિસ્તારની 19 વર્ષિય દીકરી સુધી તે પહોંચી શક્યો ન હોત. આ ગુનેગારને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દીકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે.