નર્મદા: દક્ષિણ ગુજરાતનો એક એવો જીલ્લો જ્યાં વિવાદ થમવાનું નામ નથી લેતો.. નર્મદા જ્યાં એક બેઠકમાં ફરી એક વખત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે વિકાસના કામો અને અધિકારીઓની આ બેઠકમાં ગેરહાજરી મુદ્દે બોલાચાલી થઈ હોવાનું બહાર આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ (દિશા) કમિટીની બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિકાસના કામોમાં અધિકારીઓની મનમાની અને આ બેઠકમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહેતા વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન દીશા કમિટીના અધ્યક્ષ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે બોલાચાલી થઈ હોવાથી માહોલ ગરમ થઇ ગયો હતો.
આ બેઠક બાદ કોઈ બનાવ ન બને એ માટે ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી. આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે નર્મદા જિલ્લાનો અધિકારી વર્ગ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને પૂછ્યા વગર બારો બાર એજન્સી કહે એ પ્રમાણે અમારા બજેટનું આયોજન કરી દે છે. ચૂંટાયેલા પ્રતિનિધિને વિશ્વાસમાં લીધા વગર ટેન્ડર પ્રક્રિયા કરી દે છે, સ્થાનિકની જગ્યાએ બહારના લોકોને કામ આપી દે છે. કોઈ પણ આયોજન હોય તો કમિટીની બેઠક થવી જોઈએ, 10 ટકા ગુજરાત પેટર્નનું બેઠક થયા વગર, બંધારણની કલમ 275ના બજેટનું અને આદર્શ ગ્રામનું, બારો બાર આયોજન કરી દે એ અધિકારીઓને સોંપ્યું નથી. નર્મદાના અધિકારીઓ કોઈ પણ આયોજન કે ટેન્ડર પ્રક્રિયા કરે ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યને વિશ્વાસમાં લેતાં નથી. આ પ્રજાના પૈસા છે અધિકારીઓના પૈસા નથી કે બારો બાર આયોજનો કરે છે. લોકોની જરૂરિયાતો નહિ પણ અધિકારીઓને કેટલું મળશે એ મુજબ વિકાસના કામોનું આ જિલ્લામાં આયોજન થાય છે. આ બાબતે જ મારે બોલવાનું થયું હતું.