કેવડીયા: આજે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ કૃતિઓ નિહાળી હતી અને બાળકો સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે ચર્ચા કરી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ ભવન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા બી આર સી ભવન સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન બાળમેળો કેવડિયા ખાતે યોજવામાં આવ્યો હતો. આ બાળમેળામાં બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ લઈને આવ્યા હતા ત્યારે એમને નિહાળવા માટે અને એમને પ્રોત્સાહિત કરવા માટે અમે સૌ અહીંયા પધારેલા છીએ.

આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, મહાન વૈજ્ઞાનિકોએ જે શોધો કરી તેના કારણે આજે લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. વિજ્ઞાનની કૃતિઓની સાથે સાથે ધાન્ય પાકોના વિભાગમાં આપણે જે પાકોને ભૂલી ગયા છીએ તેને કઈ રીતે ફરીથી જીવનમાં લાવવા, પ્રદૂષિત થતા વાતાવરણને અને પાણીને કઈ રીતે બચાવવા, સાથે સાથે ગણિતમાં કઈ રીતે વિદ્યાર્થીઓને સરળતાથી નવી પદ્ધતિથી ભણાવી શકાય, જેવી અનેક પ્રકારની કૃતિઓ વિદ્યાર્થીઓ લાવ્યા છે. ત્યારે મને પૂરો ભરોસો છે કે નર્મદા જિલ્લામાંની કૃતિઓ ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવશે એવી અમે શુભકામનાઓ આપીએ છીએ. સાથે સાથે જે પણ શિક્ષક મિત્રોએ આ કૃતિ તૈયાર કરવામાં વિદ્યાર્થીઓની મદદ કરી છે અને તેમને પણ શુભકામનાઓ આપીએ છીએ. આજે આ કાર્યક્રમનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સરસ કર્યું છે અને તમામ વિસ્તારમાંથી કૃતિઓની સાથે સાથે આજુબાજુ વિસ્તારના બાળકો પણ એને નિહાળવા માટે આવ્યા છે. ત્યારે નર્મદા જિલ્લા શિક્ષણના તમામ આયોજકોને અમે આજના પ્રસંગે અભિનંદન આપીએ છીએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here