ગુજરાત: વર્ષ 2025ની શરૂઆતે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરોની સંખ્યા આઠ વધીને 17એ પહોંચી શકે છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રાજ્ય સરકારે આણંદ, મોરબી, નડીયાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, વાપી, નવસારી અને મહેસાણા એમ કુલ 9 નગરપાલિકાને વિસ્તારીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદિલ કરવાનો નિર્ણય કર્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25મી ડિસેમ્બર, સુશાસન દિવસે જાહેરાત કરી શકે છે તેમ ટોચના વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.ગુજરાતમાં 79 નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયત અને 6 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ ગતિવિધી વચ્ચે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર તેમજ જૂનાગઢ એમ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ નવનો ઉમેરો થશે. રાજ્યમાં મહાનગરો વધતા નવ IAS ઓફિસરોને મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્તિ મળશે. વહિવટી તંત્રમાં આ બદલાવની સાથે સાથે સાંપ્રતકાળે ચાલી રહેલા ભાજપના નવા સંગઠન રચનામાં હાલમાં 33 જિલ્લા પ્રમુખો અને આઠ મહાનગરોના પ્રમુખો મળીને કુલ 41 જગ્યાઓ છે તે વધી 50એ પહોંચશે !

પ્રવર્તમાન નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તબદિલ કર્યા બાદ નવી ચૂંટણી અંગે ક્યારે યોજાશે ? તેના જવાબમાં મુખ્યમંત્રી કાર્યલાયના ટોચના અધિકારીએ ”છ થી આઠ મહિનાનો લક્ષ્યાંક” હોવાનું જણાવીને સૌ પ્રથમ તો મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અમલમાં આવતા આસપાસના ગામ, આઉટગ્રોથ એરિયાને ઉમેરવાની સાથે વહિવટી, ટેકનિકલ સ્ટાફની નિયુક્તિ કર્યા બાદ સીમાકંન અને વોર્ડ રચનાથી લઈને બેઠકોની ફાળવણી થશે તેમ ઉમેર્યું હતુ. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં નવા નવ મહાનગરો અસ્તિત્વમાં આવતા શહેરી સુવિધાઓના વિકાસના ઝડપી આયોજન અને અમલ ઉપરાંત રાજકીય પ્રતિનિધિત્વમાં પણ વધારો થશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here