ભરૂચ: ગતરોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાંથી ચોરીની એક્ટીવા ગાડી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. એક વર્ષ અગાઉ પણ નેત્રંગના મંગળવારી હાટ બજારમાંથી એક્ટીવા ગાડી ચોરાઇ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ ગામેથી એક વર્ષ અગાઉ ચોરાયેલ એક્ટીવા ગાડી સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓ થતા અટકાવવા તેમજ વણઉકલ્યા ગુનાના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન એક ઇસમ નંબર પ્લેટ વગરની એક્ટીવા મોપેડ ગાડી લઇને આવતા તેને રોકીને તેની પાસેની એક્ટીવા ગાડીના બીલ પુરાવા માંગતા તે રજુ કરેલ નહી, જેથી તેની સઘન પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે આશરે એકાદ વર્ષ પહેલા નેત્રંગ ખાતે ભરાયેલ મંગળવારી હાટ બજારમાં તે ફરતો હતો તે દરમિયાન એક એક્ટીવા ગાડી દેખાયેલ અને તેમા ચાવી પણ લગાવેલ હોવાથી તેની ચોરી કરવાની લાલચ થયેલ જેથી એક્ટીવા ગાડીની ચોરી કરેલ હતી. સદર એક્ટીવા ગાડી ચોરાયા બાબત નેત્રંગ પોલીસ મથકમાં ગુનો દાખલ થયેલ હતો.
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડાયેલ ઇસમ અરવિંદભાઇ ઉર્ફે અશ્વિન રવજીભાઇ વસાવા રહે.સેલોદ, તા.ઝઘડિયા, જિ.ભરૂચનાને ઝઘડિયા જીઆઇડીસી પોલીસને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સદર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એમ.એમ.રાઠોડ તથા સ્ટાફ જયરાજભાઇ, મનહરસિંહ તેમજ દિપકભાઇ દ્વારા ટીમવર્કથી કરવામા આવી હતી.