મહીસાગર: મહીસાગરના કલેક્ટર નેહા કુમારીના વિવાદિત નિવેદનના વિરોધમાં આક્રોશ દર્શાવવા માટે આજે આદિવાસી સમાજ દ્વારા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી ન હતી તેમ છતાં પણ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક આગેવાનોની સાથે સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સભા સ્થળે પહોંચ્યા હતા.
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબઆ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મહામાનવ અને આપણા સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે આજે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ પ્રશાસનની તાનાશાહી હોવા છતાં પણ હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં આવ્યા તે તમામને હું સલામ કરું છું. પોલીસ પ્રશાસન આ કાર્યક્રમના સાઉન્ડ સિસ્ટમ અને માઇકને પણ ઉઠાવીને લઈ ગયા. હું તેમને કહેવા માંગીશ કે તમે ગમે તેટલા પ્રયાસ કરી લો, પરંતુ તમે દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરીટીના અવાજને દબાવી શકવાના નથી. બાબા સાહેબે આપેલા સંવિધાનની શક્તિનો આ અવાજ છે માટે તમે આવાજને ક્યારેય પણ દબાવી શકશો નહીં.
અમારી આ આજની લડાઈ ફક્ત એક કલેક્ટર નેહા કુમારી સામે નથી પરંતુ અમારી લડાઈ દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા ગુજરાતના અને તમામ દેશના અધિકારીઓ સામેની લડાઈ છે. અને આવા અધિકારીઓને બચાવનાર ભાજપ સરકાર સામે પણ અમારી લડાઈ છે. સરકાર જો આ અધિકારીઓને બચાવવાનું કામ કરશે તો આવનારા સમયમાં આદિવાસી વિસ્તારમાં એક પણ સરકારી કાર્યક્રમ નહીં થવા દઈએ. આ વિસ્તારના કે રાજ્યના નહીં પરંતુ ભાજપના મંત્રી આ કલેક્ટરને બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે. મોટા મોટા તાઈફા કરનાર આદિજાતિ મંત્રી કિશોર ઢીંઢોર પણ અમારી વાત સાંભળી લે, અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે ફંડ નથી પરંતુ તમે તાઈફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છો.
આદિજાતિ મંત્રીને કહેવા માંગીશ કે જો તમે કાંઈ કરવા માગતા હો તો આ વિસ્તારોમાં શિક્ષકો નથી તો શિક્ષકો મૂકો, શાળાઓ બનાવો, પીવાના અને સિંચાઈના પાણી નથી તેની વ્યવસ્થા કરો, અને જો તમે આવા કામ નહીં કરો તો તમારા જેવા મંત્રીઓને પણ અમે આ વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ. અમે ફક્ત નેહા કુમારી સામે નહીં પરંતુ સમગ્ર સિસ્ટમ સામે લડી રહ્યા છીએ અને હવે સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે. નેહા કુમારી વિરુદ્ધ ખાતાકીય તપાસ નહીં થાય અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં થાય તો હું ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીને કહેવા માંગીશ કે આવનાર સમયમાં ગાંધીનગરમાં કાર્યક્રમ ગોઠવો અને હજારોની સંખ્યામાં આપણે આ આ મુદ્દે પ્રદર્શન કરીશું. માત્ર મહીસાગર જીલ્લો નહીં પરંતુ, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર ગુજરાતના લોકોને હું આવાહન કરું છું કે ગાંધીનગરમાં કાર્યક્રમ ગોઠવો અને નેહા કુમારી જેવી માનસિકતા ધરાવનાર તમામ કલેકટરોને આપણે સસ્પેન્ડ કરાવીશું.