વાંસદા: નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓનો વધી રહેલા હુમલા લોકોને ભય સાથે જીવવા મજબૂર કરી રહ્યો છે. દોઢ મહિના અગાઉ બે બાળકીઓ પર થયેલા હુમલાની ઘટનાઓ હજી તાજી છે, ત્યારે ફરી વાર કુદરતી હાજતે ગયેલા બાળક પર દીપડાએ હુમલો કરતાં વન વિભાગ દોડતું થયું છે. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેને છ જેટલા ટાંકા લેવા પડ્યા હતા. દીપડો જોઈ ભાગવા ગયો અને હુમલો કર્યો
વાંસદા તાલુકાના આંબાબારી ગામે કુદરતી હાજતે ગયેલા છ વર્ષીય દીક્ષિત ચૌહાણ નામના બાળક ઉપર એકાએક દીપડાએ હુમલો કર્યો હતો. ઘટનાથી હેબતાઈ ગયેલો બાળક ભાગવાની કોશિશ કરી તે દરમિયાન દીપડાએ ઘાતકી હુમલો કર્યો હતો, બાળકને ગાલ તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે, ઈજાગ્રસ્ત બાળકને વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે. બાળકને છ જેટલા ટાંકા લેવા પડ્યા છે.
વન વિભાગની ટીમ દીપડાને પકડવા કામે લાગી
ઘટનાની જાણ વન વિભાગને થતાં આંબાબારી ગામ દોડતું થયું છે. અને ચાર જેટલા પાંજરા મુકી દીધા છે. વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક લાંબા સમયથી દીપડાની હિલચાલ વધી છે. ગત સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં મોટી વાલઝર અને ઉપસળ ગામમાં બે બાળકી અને એક યુવાન ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જેને પગલે દક્ષિણ ગુજરાતની વન વિભાગની તમામ ટીમ દીપડાને પકડવા કામે લગાડી હતી. ત્યારે ફરીવાર નાના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા પૂર્વ પટ્ટીના ગામડાઓમાં રાત્રિ તો ઠીક પરંતુ દિવસે પણ જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે.
અગાઉ દીપડાના હુમલાના 3 બનાવ બન્યા હતા.
ગત 26 સપ્ટેમ્બરના રોજ મોટી વાલઝર ગામમાં ડુંગરી ફળિયામાં રહેતા શિક્ષક કમલેશભાઈની દસ વર્ષીય દીકરી પર દીપડાએ એકાએક હુમલો કરતા બાળકીના ગાળાના ભાગે દીપડાએ બચકા ભર્યા હતા. જેથી ગળાના ભાગે ઊંડા ઘા થયા હતા, જેથી તેણીની તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 5 ઓકટોબરના રોજ વાંસદા તાલુકાના ઉપસળ ગામે છ વર્ષીય બાળકીને દીપડાએ શિકાર બનાવ્યો હતો, જેમાં પોતાની માતા સાથે કાકાના ઘરે જઈ રહેલી બાળકી ઉપર દીપડાએ તરાપ મારતા માતાએ હિંમત દર્શાવી બાળકીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં માતાએ હિંમત દાખવતા દીપડો ભાગી છૂટયો હતો. 10મી ઓકટોબરે વાંસદા તાલુકાના સિંગાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદ પટેલ પર દીપડાએ વહેલી સવારે હુમલો કર્યો હતો. જે બાદ વન વિભાગ સક્રિય થતાં ત્રણ દિવસ બાદ દીપડો પકડાયો હતો.