કપરાડા: કપરાડા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024, તારીખ 28-29 નવેમ્બર 2024નાં રોજ પીએમશ્રી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ કપરાડા ખાતે યોજવામાં આવ્યું. તાલુકા પંચાયત કપરાડાના પ્રમુખ શ્રીમતી હીરાબેન પી. માહલાના અધ્યક્ષપણા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સદર પ્રદર્શનનાં સમારંભનાં ઉદઘાટક એવા કપરાડા વિસ્તારનાં લોકલાડીલા ધારાસભ્યશ્રી માન.શ્રી જીતુભાઈ એચ. ચૌધરી સાહેબે પ્રસંગ અનુરૂપ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષક મિત્રોને આશીર્વચન સહ અભિનંદન પાઠવ્યા હતાં. પ્રદર્શનનું ઉદઘાટન જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ દ્વારાં કરવામાં આવ્યું હતું.
DICISION NEWS ને મળેલી માહિતી અનુસાર સમગ્ર પ્રદર્શન બાળકો, શિક્ષકો અને આમ જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ થીમ આધારિત તાલુકાના પ્રદર્શનમાં પાંચ અલગ અલગ વિભાગમાં 75 કૃતિઓ મૂકવામાં આવી હતી. જેમાં બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોની મહેનત અને વૈજ્ઞાનિક વિચારોની ઝાંખી જણાઈ આવતી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપનમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી.કો.ઓ.શ્રી સંજયભાઈ, ડાયેટ, વલસાડનાં કપરાડાનાં લાયઝન અધિકારીશ્રી, બીટ નિરીક્ષકશ્રીઓ, સી.આર.સી.કો.ઓ.શ્રીઓ, કેન્દ્ર શિક્ષકશ્રીઓ, કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા શૈક્ષિક મહાસંઘ તથા પીએમશ્રી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ કપરાડાનાં આચાર્યશ્રી વસંતભાઈ પાઠક સાહેબ અને એમનાં સ્ટાફ તથા તથા વિવિધ સમિતિના કન્વીનરશ્રીઓ અને શિક્ષકશ્રીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કપરાડા તાલુકાનાં મામલતદાર સાહેબ, સરપંચશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વલસાડ જિલ્લા અને કપરાડા તાલુકાનાં પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો, ટીચર સોસાયટીનાં પ્રમુખશ્રી, તથા મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષક મિત્રો પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન જોવા મળ્યું હતું. વિવિધ સમિતિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.
પ્રદર્શનમાં દાન આપી અમૂલ્ય સહયોગ કરનાર અમેરિકાવાસી શ્રી નાનુભાઈ પટેલ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા શૈક્ષિક મહાસંઘ તેમજ આશા નોવેલ્ટી, ધરમપૂરને કપરાડા બી.આર.સી.કો.ઓ.શ્રી દ્વારાં મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ભાગ લેનાર તમામ બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી બાળકો અને શિક્ષક મિત્રોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. દરેક વિભાગમાં શ્રેષ્ઠ 2 કૃતિ એમ કુલ 5 વિભાગની કુલ 10 શ્રેષ્ઠ કૃતિને અલગથી ટ્રોફી અને પ્રમાણપત્ર આપી જિલ્લા લેવલ પર જવા શુભેચ્છાઓ આપવામાં આવી હતી.