ઝઘડિયા-નેત્રંગ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનીજ સંપતિની ભેટ આપી છે, ત્યારે તાલુકામાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બનીને ખોબે-ખોબે ખનીજ સંપતિ ઉલેચી રહ્યા હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠી રહી છે,પરંતું જવાબદાર તંત્રની તટસ્થ કાર્યવાહીના અભાવે કોઇ અસરકારક પરિણામ નથી મળતું એવી પણ વ્યાપક લોકબુમો ઉઠી રહી છે.

ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ તરફના રસ્તા આસપાસના વિસ્તારમાં ઘણી પત્થરની ખાણો અને મેટલ ક્વોરીઓ ધબકી રહી છે. સામાન્યરીતે પત્થરની ખાણો અને ક્વોરીઓના સંચાલકોએ ઘણાબધા નિયમો જાળવવાના હોય છે પરંતું તેમાં પણ લોલમલોલ જેવી પરિસ્થિતિ જોવા મળતા જવાબદાર તંત્રની કાર્યદક્ષતા પર સવાલો ઉઠી રહ્યા છે. તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડીના નેત્રંગ તરફના રોડ પર અસંખ્ય પત્થરની ક્વોરીઓ અને ખાણો કાર્યરત છે, આ ક્વોરીઓ અને ખાણોના સંચાલકો જરુરી નિયમોનું પાલન યોગ્ય રીતે કરે છે ખરા ? Decision News ને મળેલી જાણકારી પ્રમાણે રાજપારડી નજીકના એક સ્થળે એક પત્થરની ખાણ બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરાતા કથિત ગેર રીતિ બહાર આવી હોવાની લોક ચર્ચા જોવા મળતા આ બાબતે ભરૂચ ભુસ્તર અધિકારીનો એક પત્રકાર દ્વારા ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ચારેક વારના પ્રયત્નો પછી કોલ રીસીવ કરતા તેમના દ્વારા જણાવાયું કે આ બાબતે કાર્યવાહી પ્રોસેસમાં છે અને પુર્ણ થયે તમને જાણ કરીશું ! ત્યારે આવી કાર્યવાહીમાં પ્રોસેસ થતા કેટલો સમય લાગે તે બાબતે પણ સવાલો ઉભા થયા છે,ત્યારે જિલ્લાનો ભુસ્તર વિભાગ દ્વારા આવી બાબતોમાં અખબાર જોગ યાદીઓ પત્રકારોને સમયસર મળી રહે તેમ થવું પણ જરૂરી લેખાશે !

ત્યારે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા જતા ખનીજ માફિયાઓને અંકુશમાં લેવા જવાબદાર તંત્રએ અસરકારક ભુમિકા અપનાવવી જ પડશે, અને જરુર પડ્યે આ બાબતે આરટીઆઇ મુજબ માહિતી માંગવાનો તખ્તો પણ તૈયાર થઇ રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.