વલસાડ: આ પ્રેસ સેમિનારના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ નેશનલ પ્રેસ ડેનું મહત્વ સમજાવી જણાવ્યું કે, વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવને પણ જોખમમાં મુકી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયા કર્મીઓ કરી રહ્યા છે તેને બિરદાવુ છું. વહીવટી તંત્ર દ્વારા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે અંગે પણ પત્રકારો ધ્યાન દોરે છે જેથી વધુ સારી કામગીરી થઈ શકે.
આ પ્રસંગે સેસિલ ક્રિસ્ટીએ પરંપરાગત મીડિયાથી લઈને વર્તમાન મીડિયા સુધીમાં આવેલા બદલાવો ઉપર પ્રકાશ પાડી જણાવ્યું કે, ઈન્ટરનેટના આગમન બાદ મીડિયાનું સ્વરૂપ પણ બદલાયુ છે. ન્યૂઝ વહેલી તકે ઝડપથી પ્રસારિત કરવાની સ્પર્ધા પણ વધી ગઈ છે. નવા ઊભરતા પત્રકારોને દિશાનિર્દેશ આપતા શ્રી ક્રિસ્ટીએ જણાવ્યું કે, પત્રકારો લોકમતના ઘડવૈયા છે. પત્રકારોનું વિઝન હંમેશા ક્લિયર હોવુ જોઈએ. આ સાથે જ ઘણા વર્ષોથી મીડિયા સાથે જોડાયેલા પત્રકારોનું માર્ગદર્શન કરતા તેઓએ જણાવ્યું કે, વર્તમાન સમય આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સનો છે, જેથી પત્રકારોએ સતત અપડેટ
પણ રહેવુ જરૂરી છે.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ ૨૦૨૪ના નેશનલ પ્રેસ ડે નિમિત્તે જાહેર કરાયેલી ‘‘ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ’’ થીમ વિષય પર સિનિયર વક્તા અને ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રીશ્રી મનોજભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે, પત્રકારની ભૂમિકા માઈલસ્ટોન જેવી હોય છે. પત્રકારોએ પોતાના મૂલ્યો ભૂલવા ન જોઈએ. ગમે તેટલા બદલાવો આવે પણ વિશ્વસનીયતા હોવી ખૂબ જ જરૂરી છે. પત્રકારત્વને ચોથી જાગીર ગણવામાં આવે છે, દેશના ચારેય આધારસ્તંભ મજબૂત હોય તો લોકતંત્રને કોઈ આંચ આવે નહી. વધુમાં કહ્યું કે આપણે જે વ્યવસાય અપનાવ્યો છે તેને પ્રમાણિકતા સાથે પરિપૂર્ણ કરીએ. આવા સેમિનાર પત્રકારોમાં વાતાવરણ શુધ્ધિ માટે સકારાત્મક પૂરવાર થાય છે. પ્રેસ સેમિનારમાં પત્રકારોએ પણ પોતાના મંતવ્યો જણાવ્યા હતા.