ભારત: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISROએ નવો સેટેલાઈટ લોન્ચ કરી દીધો છે. આ સેટેલાઈટનું નામ GSAT-N2 કે GSAT-20 છે. આ સેટેલાઈટ એલન મસ્કની સ્પેસએક્સના રોકેટથી લોન્ચ કરાયો છે. આ સેટેલાઈટનો ઉપયોગ ભારતમાં હવાઈ જહાજોમાં ઈન્ટરનેટ સેવા આપવા માટે અને ભારતના રિમોટ એરિયામાં ઈન્ટરનેટ સર્વિસ આપવા માટે કરાશે. અત્યાર સુધી ભારતમાં ફ્લાઈટમાં ઈન્ટરનેટ ચલાવવાની મંજૂરી નહતી. પરંતુ હવે સરકારે નિયમો બદલ્યા છે. હવે પ્લેનમાં પણ જ્યારે 3000 મીટરની ઉંચાઈ પર પહોંચી જશે ત્યારે મુસાફરો પોતાના ફોનમાં ઈન્ટરનેટ વાપરી શકશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોને વાઈફાઈના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી ત્યારે જ હશે જ્યારે વિમાન એટલી ઊંચાઈ પર પહોંચ્યા બાદ પણ વિમાનમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે.
SpaceX ની મદદ કેમ લેવાઈ ?
ભારતનું પોતાનું રોકેટ, માર્ક-3 ફક્ત 4000 કિલો વજન સુધીના ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલી શકે છે. પરંતુ GSAT-N2નું વજન 4700 કિલો છે. જે ઘણું વધુ છે. આથી ઈસરોએ અમેરિકાની કંપની સ્પેસએક્સની મદદ લેવાનો નિર્ણય લીધો. SpaceX ના રોકેટ ખુબ શક્તિશાળી અને મોટા હોય છે. આથી તે GSAT-N2ની અંતરિક્ષમાં મોકલી શક્યું. આવું ઇસરોનું પહેલીવાર હશે જ્યારે કોઈ અન્ય કંપનીના રોકેટનો ઉપયોગ કરાયો છે.
શું થશે ફાયદો
આ સેટેલાઈટ ફક્ત હવાઈ મુસાફરી દરમિયાન જ ઈન્ટરનેટની સુવિધા આપશે એટલું નહીં પરંતુ ભારતના એવા વિસ્તારોમાં પણ ઈન્ટરનેટ પહોંચાડશે જ્યાં હજુ સુધી ઈન્ટરનેટની સુવિધા પહોંચી નથી
શું છે ઈસરોનો GSAT-N2 Satellite ?
GSAT-N2 (GSAT-20) એક ખુબ જ આધુનિક સેટેલાઈટ છે જેને ઈસરોએ બનાવ્યો છે. આ સેટેલાઈટ ભારતમાં ફાસ્ટ ઈન્ટરનેટ સર્વિસ આપશે. ખાસ કરીને પ્લેનમાં. આ ઉપગ્રહમાં અનેક એન્ટેના લાગેલા છે. જે અલગ અલગ જગ્યાઓ પર ઈન્ટરનેટ સિગ્નલ મોકલી શકે છે. આ એન્ટેના ખુબ જ કુશળ છે અને અનેક લોકોને એક સાથે ઈન્ટરનેટ ચલાવવાની સુવિધા આપી શકે છે.GSAT-N2 એક ખુબ મોટો સેટેલાઈટ છે. તેનું વજન 4700 કિલો છે. આ સેટેલાઈટ 14 વર્ષ સુધી કામ કરી શકશે. ભારત માટે આ સેટેલાઈટ ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તે સમગ્ર ભારતમાં ફાસ્ટ ઈન્ટરનેટ સર્વિસ આપશે. આ સેટેલાઈટમાં 32 બીમ છે જેમાંથી 8 બીમ પૂર્વોત્તર ભારત માટે છે અને બાકીના 24 બીમ સમગ્ર ભારત માટે છે. આ બીમની મદદથી ભારતના અલગ અલગ ભાગોમાં ફાસ્ટ ઈન્ટરનેટ પહોંચાડી શકાશે. GSAT-N2 ઉપગ્રહમાં ખાસ પ્રકારના સંચાર ઉપકરણો લગાવવામાં આવ્યા છે. જે Ka-બેન્ડ હાઈ-થ્રુપુટ સેટેલાઈટ (HTS) કહેવાય છે. આ ઉપકરણની મદદથી આ સેટેલાઈટ લગભગ 48 ગીગાબિટ પ્રતિ સેકન્ડની ખુબ જ ફાસ્ટ સ્પીડથી ડેટા મોકલી શકે છે.