ગરુડેશ્વર: નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નર્મદા જિલ્લામાં ફાર્મર અને ટેક્નિકલ માસ્ટર ટ્રેનર દ્વારા ખેડૂતમિત્રોને ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ તાલીમમાં પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદા, ખેતી કઈ-કઈ પધ્ધતીથી કરી શકાય, જીવામૃત અને ઘનામૃત ખાતર બનાવવાની રીત, પ્રાકૃતિક ખેતીની મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌ- મુત્રમાંથી બનાવેલ ઓર્ગેનિક ખાતરને ઉપયોગ જેવા મુદ્દાઓ માસ્ટર ટ્રેનર્સ દ્વારા આવરી લેવામાં આવતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧૯ મી નવેમ્બરના રોજ ગરૂડેશ્વર તાલુકાનું માથાવાડી, ભીલવશી, મોટી રાવલ, ખડગદા ગામોને આવરી લેવામાં આવ્યા હતાં. તદ્દ-ઉપરાંત અન્ય તાલુકાની ગ્રામ પંચાયતને પણ આવરી લઈ સ્થાનિક ખેડૂતમિત્રો જોડે કિસાન ગોષ્ઠીનું ખાસ આયોજન કરવામાં આવ્યુ હતું.