ડોલવણ: ગતરોજ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ડોલવણ ગામમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-2003 ( COTPA-2003) અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, ડોલવણ દ્વારા ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી આવી હતી.
ટાસ્કફોર્સની કામગીરી દરમિયાન ટીમ દ્વારા ડોલવણ ખાતે તમાકુની બનાવટો વેચતા 34 જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કલમ-5 નો ભંગ કરતા દુકાનદારો પાસેથી તમાકુની જાહેરાતનાં બોર્ડ ઉતારાવવામાં આવ્યા હતા અને ફક્ત 4 જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમ 6-અ ના ભંગ બદલ કુલ રૂ. 650 નો દંડ સ્થળ પર કરવામાં આવ્યો હતો. બાકીના 30 જેટલા દુકાનદારો તમાકુ નિયંત્રણ ધારા-2003નું પાલન કરતા જોવા મળ્યા હતા.
Decision news ને મળેલી માહિતી મુજબ ટાસ્કફોર્સ ટીમ દ્વારા જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધની કલમ 4 અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય-કલમ-5, કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ 6-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના 100 વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ 85% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધની કલમ-7 વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી.
તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તમાકુ નિયંત્રણ ધારા બાબતે ડોલવણ ચાર રસ્તા પર કડક સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-2003ની કામગીરી ખુબ સારી રીતે કરવામાં આવી રહી છે. તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ- તાપીનાં કર્મચારી ભરતકુમાર ગામીત અને જિજ્ઞાસા ચૌધરી અને તાલુકા આરોગ્ય કચેરી-ડોલવણના સ્ટાફ જોડાયા હતા.