ડાંગ: રાજભા ગઢવી કહે કે ડાંગના જંગલમાં લૂંટી લે છે, કપડા પણ કાઢી લે છે, પરંતુ રાજભાની ગઢવીની વાત ખોટી છે. ડાયરામાં લોકોને ખોટો પાનો ચડાવવા માટે, માહોલ બનાવવા માટે અને તાળીયો પડાવવા માટે મનફાવે એમ બોલી નાખવું અલગ વાત છે અને જંગલમાં વસતા લોકો / આદિવાસીઓની જીવનશૈલી અંગેની હકીકત અલગ છે. મેં એટલે કે, ગોપાલ ઈટાલીયાએ છેલ્લા પાંચ વર્ષમાં સાબરકાંઠા, ખેડબ્રહ્મા, પોશીના, દાહોદ, ઝાલોદ, ગરબાડા, છોટા ઉદેપુર, કવાંટ, વ્યારા, સોનગઢ, ભરૂચ, નર્મદા, ડેડિયાપાડા, માંડવી, ઉચ્છલ, નિઝર, વાંસદા, ઉંમરગામ, કપરાડા, ચીખલી સહિત ગુજરાતના લગભગ તમામ આદિવાસી વિસ્તારોમાં દિવસે અને રાત્રે મુસાફરી કરેલ છે. આદિવાસી બહુમતી ધરાવતા તમામ જિલ્લાઓ અને લગભગ તાલુકાઓમાં હું એક કરતા વધુ વખત પ્રવાસ કરી ચૂક્યો છું.
મને વ્યક્તિગત રીતે ક્યારેય આદિવાસીઓ તરફથી કોઈ ખરાબ અનુભવ તો થયો જ નથી પરંતુ હું જ્યારે આદિવાસી વિસ્તારોમાં રાત્રિ રોકાણ હોય અથવા કોઈને મળતો હોય ત્યારે વાતોવાતોમાં સ્થાનિક લોકોને અનેક પ્રશ્નો પૂછતો હોઉં છું. આ પ્રશ્નોના જવાબમાં પણ મને ક્યાંય લૂંટી લેતા હોય એવું જાણવા નથી મળ્યું.
મારા આજ દીન સુધીના પ્રવાસના અનુભવ આધારે કહું તો આદિવાસીઓ જેટલી શાંત, સહજ, સંતોષી અને સરળ પ્રજા લગભગ બીજે ક્યાંય નથી. આદિવાસીઓની મહેમાનગતિ તો જેના ભાગ્યમાં હોય એને જ મળે. તેઓ જે માન સમ્માન આપે અને જે રીતે ખવડાવે એ વાત કહેવા માટે તો ડાયરાના ડાયરા’ય ટુંકા પડે. આદિવાસીઓએ કોઈને લૂંટી લીધાં હોય અને લૂગડા પણ કાઢી લીધા હોય એવા કિસ્સા મેં તો નથી સાંભળ્યા પણ પાંચવાળા બિસ્કિટના પેકેટના દસ રૂપિયા લૂંટતા લુંટારા ખુલ્લેઆમ જોયા છે. હાઇવેની હોટલમાં છાપેલી કિંમત કરતા મનફાવે તેવા રૂપિયા લઈને લૂંટતા લુંટારા જોયા છે. કોલ્ડ્રિંક્સની બોટલને ઠંડી કરવાના પાંચ રૂપિયા વધારે લેતા લૂંટારા જોયા છે. વ્યાજે થોડાક રૂપિયા આપીને મોંઘી જમીન લખાવી લેવાવાળા લુંટારા જોયા છે. કોઈની જમીનો ઉપર કબજા કરીને પછી જમીન ખાલી કરવાના તોડ કરનારા લુંટારા પણ જોયા છે. તહેવારોની સીઝનમાં વાહનોના ભાડા વધારીને લોકોને લૂંટતા જોયા છે. પૂર કે વાવાઝોડા કે કુદરતી આફતો વખતે દરેક વસ્તુના ડબલ ભાવ કરીને લૂંટતા નરી આંખે જોયા છે.
રાજભાના ડાયરામાં પૈસા ઉડાડતા લોકો કંઈ પોતે કાળી મજૂરીના પૈસા તો નહીં ઉડાડતા હોય ?? રાજભાના ડાયરામાં પૈસા ઉડારનારાએ પૈસાની ચોરી / લૂંટ ક્યાંથી કરી છે એ જગત જોઈ રહ્યું છે. ખનિજ માફિયાઓ, ગૌચર માફિયાઓ, જમીન માફિયાઓ ભોળી જનતાને લૂંટીને લાખો રૂપિયા કમાય છે અને અનીતિના રૂપિયા ડાયરામાં ઊડે છે એવું જનતાએ જોયું છે.
ડાંગના કે ગુજરાતના આદિવાસીઓએ કોઇને લૂંટી લીધાં હોય કે લૂગડાં કાઢી નાખ્યા હોય એવું ક્યારેય નથી જોયું પણ રાજભા ગઢવીને ભાજપના જે જે નેતાઓ સાથે પારિવારિક સંબંધ છે એ બધાય નેતાઓએ ગુજરાતની જનતાના માત્ર લૂગડાં કાઢી લેવાનું જ બાકી રાખ્યું છે, એટલા લૂંટે છે.
રાજભા ગઢવીના ભાજપના તમામ મિત્રોએ ગુજરાતની જનતાને લૂંટી લૂંટીને અમાદાવાદમાં થલતેજ, બોપલ, શીલજ, આંબલી, ઘુમા, સોલા, ઓગણજ વગેરે જગ્યાએ બંગલાઓ અને ફાર્મહાઉસ બનાવ્યા છે. કોઈ આખો સમાજ ખરાબ ન હોય પણ એક લાખ વ્યક્તિએ એકાદ માણસ ખરાબ હોય શકે છે. આદિવાસી સમાજ ગરીબ હોય શકે, અભણ હોય શકે, મજૂરી કરતો હોય શકે પરંતુ આદિવાસી કોઈને લૂંટી લે એ વાત અશક્ય છે. ધારો કે કરોડો આદિવાસીમાંથી કોઈ એક ગરીબ આદિવાસી વ્યક્તિએ પોતાના પરિવારનું પેટ ભરવા મજબૂરી વશ કાંઈ કર્યું હશે એવું બની શકે બાકી હજારો લાખો આદિવાસી મજૂરી કરીને જીવે છે પણ કરોડો રૂપિયા કમાઈ લેવાની લાલચ એમનામાં નથી.
આદિવાસી સમાજની પરંપરાગત નવસારી વલસાડ બાજુ વાંસનું શાક અને ચોખાના રોટલા, નર્મદા ભરૂચ બાજુ ખાટી ભીંડીનું શાક, મ્હોરનું શાક અને ચોખાના માંડા, દાહોદ બાજુ દાળપાનિયા, ડાંગમાં નાગલીના રોટલા અને શાક આ બધું જો ખાવા મળે તો એકવખત ભૂલ્યા વગર ખાઈ લેવું.
ખાસ નોંધ :- આદરણીય રાજભાને માલુમ થાય કે પબ્લિકના લૂગડાં તો ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓએ કાઢી લીધા છે. જો તમારા ધંધામાં કમાણી ઉપર અસર થાય એમ ન તો પબ્લિકના લૂગડાં કાઢવાનું કામ કરતા ગુજરાતના નેતાઓ ઉપર ડાયરામાં બે શબ્દો કહેશો એવી લોકલાગણી છે.