ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના નગારિયા ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશ બી. પટેલ દ્વારા રચિત વારસો મારા ફળિયાનો પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ શ્રી જાગૃતિ યુવક મંડળ દ્વારા ગામમાં જ આવેલા શ્રી ચોસઠ જોગણી માતાજીના આંગણે યોજયો હતો.

આ પુસ્તકના વિમોચન પ્રસંગે લેખક કમલેશભાઈ પટેલે જણાવ્યું કે, આ પુસ્તક તૈયાર કરતા મને બે વર્ષનો સમય લાગ્યો છે. જે માટે ૨૫ થી વધુ લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. નવી પેઢીને વાંચતી કરવા માટે અને જૂના સમયની યાદ અપાવવા ખાસ કરીને વડીલોના જીવનમાંથી પ્રેરણા લેવાની શીખ મળે એટલા માટે જ આ પુસ્તકનું સર્જન કર્યુ છે. આ પુસ્તક લોકોને કેવી રીતે ઉપયોગી થશે તેની રૂપરેખા સંગીતકાર રમેશભાઈ પટેલે આપી હતી.

વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજના પ્રાધ્યાપક કિરણભાઇ પટેલે પુસ્તકનો પરિચય આપતા જણાવ્યું કે, આ પુસ્તકમાં માતાજીનું પ્રાગટય, મંદિરનો ઉદભવ, પૂર્વજોનો ઈતિહાસ, જૂની રમતો અને જૂના રિત-રિવાજોનું આલેખન
કરવામાં આવ્યું છે. ધરમપુરની વનરાજ કોલેજના પ્રાધ્યાપક વી.ડી હરકણીયા, માલનપાડા પ્રાથમિક શાળાના નિવૃત આચાર્ય હસમુખભાઇ પટેલ, પુજારીબાપા છોટુભાઈ પટેલ અને સામાજિક કાર્યકર અરુણભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.

સમાજના આગેવાન ઝવેરભાઈ પટેલે શાલ ઓઢાડી લેખક કમલેશભાઈનું સન્માન કર્યુ હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ પુષ્પગુચ્છથી લેખકનું સન્માન કરવામાં આવ્યુ હતું. પટેલ ફળિયાની બાળાઓ દ્વારા સરસ્વતી વંદના કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન જિલ્લા પંચાયતના બાંધકામ ખાતામાંથી નિવૃત્ત થયેલા ઈશ્વરભાઈ પટેલે કર્યુ હતું. આભારવિધિ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ તેમજ વૈશાલીબેને કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચેતન પટેલ, હિમાંશુ પટેલ,કલ્પેશ પટેલ, વિજય પટેલ, અંકિત પટેલ, હિમેશ પટેલ તથા ફળિયાની બહેનો અને ભાઈઓએ બહુમૂલ્ય ફાળો આપ્યો હતો.