રાજપીપલા: નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ગરૂડેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતેથી ઘન કચરા વ્યવસ્થાપન માટે 18 ઇ-રીક્ષાનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, લોકો પણ સ્વચ્છતાનું મહત્વ સમજતા થયા છે. નર્મદામાં ઘન કચરા વ્યવસ્થાપનની દિશામાં પ્રારંભ થઈ ચુક્યો છે. ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે ઇ-રીક્ષા ગામના દરેક ઘરે પહોંચીને સુકો અને ભીનો કચરાને કલેક્ટ કરીને સેગ્રીગેશન શેડ સુધી પહોંચાડશે.

Decision news ને મળેલી જાણકારી પ્રમાણે ઇ-રીક્ષા ફાળવેલા 18 ગામોના પ્રત્યેક ઘરે ટકોર કરીને કચરો કલેક્ટ કરશે ત્યારે ગામના લોકો પણ સુકો અને ભીનો કચરો ઘરેલુ સ્તરે જ અલગ કરે તે માટે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. નોંધનીય છે કે, સેગ્રીગેશન શેડ પર એકત્રિત થયેલ કચરાને સ્ટોરેજ કરવા સહિત સુયોજિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ઘન કચરાના નિકાલ વ્યવસ્થા માટે ડોર ટુ ડોર કલેક્શન, એકત્રિકરણ, વહન, વર્ગીકરણ અને નિકાલ પદ્ધતિની સુયોજિત વ્યવસ્થા અંગે ગ્રામજનોને માહિતગાર કરીને સ્વચ્છતાના તમામ પાસાઓની ઝીણવટપૂર્ણ માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લાના અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી માગતાભાઈ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. જાદવ, ગરૂડેશ્વરના તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવેશભાઈ વસાવા સહિત ગામના સરપંચ શ્રી, સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.