નવસારી: હાલના જળવાયું પરિવર્તનને કારણે જુલાઈ-ઓગસ્ટમા પડે એટલો ધોધમાર પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોએ પોતાનો જીવ રેડીને તૈયાર કરેલો ઉભો પાક પલળી જઈને વ્યાપક નુકસાન પામેલ છે. જેને લઈને SAS દ્વારા ખેડૂતોના ઉભા પાકોને થયેલા નુકસાનનું ત્વરિત વળતર ચૂકવવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે.

સમસ્ત આદિવાસી સમાજના રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભૂલાભાઈ પટેલ અને વલસાડ જિલ્લા પ્રમુખ ઉત્તમભાઈ ગરાસિયા સમક્ષ અનેક ખેડૂતોએ વેદના વ્યક્ત કરતા સમસ્ત આદિવાસી સમાજ નવસારી,વલસાડ જિલ્લા યુનિટ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મામલતદાર ખેરગામ મારફતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી સમક્ષ કમોસમી માવઠાના લીધે પાયમાલ થયેલા વલસાડ,નવસારી,ડાંગ,સુરત, તાપી,નર્મદા,ભરૂચ જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક ધોરણે બજારભાવે વળતર મળી રહે તે માટે માંગ કરવામાં આવી છે.

આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે કેટલાય ખેડૂતો એવા મળ્યા કે જેમનું સર્વસ્વ લૂંટાય ગયું છે અને રડતા રડતા પોતાની આપવીતી જણાવતાં જણાવ્યું કે જો અમને ત્વરિત સહાય નહિ મળે તો અમારે ઝેર પીને આત્મહત્યાં કરવાની નોબત આવશે,એલોકોનું દુઃખ સાંભળીને અને ઘણી જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરતાં ખેડૂતોની વેદનાઓ આંખ ભીંજાવનારી નીકળી.આથી પ્રજાવત્સલ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલજીએ તાત્કાલિક આ દિશામાં કાર્યવાહી કરી,નુકસાની વહોરી ચૂકેલા ખેડૂતોને બજારભાવથી એક પણ રૂપિયો ઓછો નહિ મળે એ રીતે વળતર ચૂકવી આપવું જોઈએ. હાલમાં બેફામ બનેલા ઔદ્યોગિકરણને પ્રતાપે જંગલો આડેધડ કપાય રહ્યા છે અને ઓઝોનના પડમાં પણ ગાબડાં પડી રહ્યા છે એના લીધે ઋતુઓના ચક્રમા પણ ભારે ફેરફાર આવી રહ્યા છે. આથી અમારી માનનીય મુખ્યમંત્રીશ્રીને એ પણ માંગ છે કે પર્યાવરણને નુકસાનકર્તા વિનાશકારી પ્રોજેકટો તાકીદે બંધ કરાવે અને વૃક્ષારોપણનું પ્રમાણ વધારવા વનવિભાગને આદેશ આપવામાં આવે.આ પ્રસંગે ડો.કૃણાલ પટેલ, મુકેશ પટેલ, ઉમેશ પટેલ મોગરાવાડી, ઉમેશ પટેલ વાડ, દલપત પટેલ, કાર્તિક પટેલ, ભાવેશ પટેલ, ભાવિન પટેલ, રાહુલ, હાર્દિક, પથિક, અક્ષિત, મયુર, જીગર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here