નવસારી: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખારેલ ગામે, એ.એમ. નાયક રૂરલ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ તથા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દૂરંદેશી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને સ્કિલ કેપિટલ – કૌશલ્ય હબ બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. આ દિશામાં દક્ષિણ ગુજરાતના યુવાનોને આગળ વધારવામાં આ સંસ્થા નિર્ણાયક ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરના તેના પ્રયાસોના ઉલ્લેખમાં કહ્યું કે, આ પ્રશિક્ષણ કેન્દ્રએ શાળા છોડી દેનારા મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યા છે. અનેક સમુદાયોના દિકરા- દિકરીઓના વિકાસમાં ભાગીદાર બનવા માટે સમગ્ર ઇન્સ્ટીટ્યુટને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન અને પદ્મવિભૂષણ શ્રી એ.એમ.નાયકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ગરીબોની સેવા કરી તેઓને વિકાસની ધારામાં લાવવું મારા દાદા અને પિતાનું સ્વપ્ન હતું. જેઓના સંસ્કારના કારણે આજે આ કાર્યોને હું આગળ વધાવી રહ્યો છું. આ ઇન્સ્ટિટ્યુટની સ્થાપનાથી વંચિત ગરીબોને રહેવાની વ્યવસ્થા સાથે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળે છે. અમારી તમામ ઇન્સ્ટિટ્યુટમાં ઉચ્ચ કોટિની સુવિધાઓ આપવામાં આવે છે. અમારી સાથે ૪૦ જેટલી સંસ્થાઓ જોડાયેલી છે.

વધુમાં શ્રી એ.એમ.નાયકે ભવિષ્યમાં પોતાના સેન્ટરમાં આયોજનમાં લેવામાં આવનાર નવા પ્રકલ્પો વિશે પણ મુખ્યમંત્રીશ્રી સહિત સર્વને અવગત કર્યા હતા. તેમણે વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્ન પુરૂ કરવા ઇન્સ્ટ્રક્ટર, ટીચર, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા તમામ પાસાંઓ ઉચ્ચ ગુણવત્તાના હોવા જરૂરી છે એમ પણ જણાવ્યુ હતું.