દેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી. 51,000 ની સહાય ચૂકવ્યા હતા સાથે સાથે ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી. અને પરિવારજનોના દુઃખ માં સહભાગી થયા.

આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા એ વધુમાં કહ્યું કે તુરખેડા ગામે રોડ- રસ્તા ન હોવાના કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે સગર્ભાને ઝોળીમાં નાખી દવાખાને લઇ જતા હતા ત્યારે, ઈમરજન્સી સારવાર ન મળતા, મહિલા અડધે રસ્તે જ મૃત્યુ પામી હતી ત્યારે અમે ઘણા દુઃખી છે. આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક, શરમજનક, હ્રુદયદ્રાવક ઘટના છે. આ એક જ ગામમાં ત્રીજી ઘટના બની છે જે ખુબજ શરમજનક ઘટના છે. અહીંથી નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ, એજ વિસ્તારના આદિવાસી ગામડાઓના લોકો હજુ પણ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ગામના અનેક પરિવારો સરદાર સરોવર બંધમાં વિસ્થાપિત થયા છે.

આઝાદીના આટલા વર્ષો પછી પણ ગ્રામજનો માટે રસ્તો નસીબ નથી. ગ્રામજનોએ સરકારના સત્તાવાળાઓને રસ્તો બનાવવા માટે વારંવાર રજૂઆતો કરી હતી, રસ્તો બનાવવા માટે સરકારને પણ વારવાર દરખાસ્તો મોકલી હતી, પરંતુ સરકારે કોઈ ધ્યાને ન લીધું. સરકાર એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે. મહિલા સશક્તિકરણ ની વાતો કરે છે. સમાનતાની વાત થાય છે ત્યારે અગાઉ પણ આ રીતે ત્રણ જણાનું મૃત્ય થયું છે. જે ખુબજ શરમજનક ઘટના છે.

આ ઘટનાના શરમ થી અમારું માથું નમી જાય છે. પરિવાર પર આવી પડેલ દુઃખમાં, પાંચ દિવસની નાની દિકરી, તેમની વેદનાનું તો અમે કલ્પના નથી કરી શકતા પણ, અમે પરિવાર સાથે છીએ. શાષક પક્ષના પ્રતિનિધિઓને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ. જે પણ મદદ મળે તે, આ પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની મદદ મળે તેની રજૂઆત અમે સરકારને કરીશું.”

આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી અને આ ફળિયામાં આવવા માટે પણ રોડ-રસ્તા નથી, જેથી રોડ-રસ્તાની સુવિધાઓ સરકાર આ જ વર્ષે કરી આપે એવી અમારી માંગણી રહેશે. જો સરકાર સુવિધાઓ ન કરી આપે તો જલંદ આંદોલન થશે.