વલસાડ: 10 જેટલાં દેશોમાં અને ભારત દેશના 10 જેટલાં રાજયોમાં યુવાનોમાં દેશભક્તિ અને જનજાગૃતિ ફેલાવવા શરુ કરવામાં આવેલી ઓએસિસ સંસ્થા જે આજે લાખો સભ્યો સાથે ઘણી વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. આ સંસ્થાના ગુજરાત પ્રકોષ્ઠના સંયોજક અવધિ શાહ દ્વારા વલસાડ જિલ્લાની 10 જેટલી શાળા કોલેજોમાંથી પ્રથમ રાઉન્ડમાં પસંદ કરવામાં આવેલા 103 જેટલાં વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં જયુરી તરીકે ડો.નિરવ ભુલાભાઇ પટેલ, નીતિનભાઈ નાઈક, શીતલ તમાકુવાળા, મહેશ પટેલ, અલ્કેશ પટેલ, નિયંતા પટેલ, રીટા કટારીયા, ભાષીતા પટેલ, દીપલ ગોર, અંકિતા પટેલ, જાગૃતિ પટેલ, ઉર્વશી પટેલ, શિવાની પટેલ, રાહુલ શાહ, કરશનભાઇ ટંડેલ, રમેશભાઈ પટેલ, જગદીશ ટંડેલ, કીર્તેશ ગોહિલ, ઉત્તમભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. વિદ્યાર્થીઓએ ભારત હજુપણ ભ્રષ્ટાચારમાં કેમ અવવલ નંબરે છે ?, પર્યાવરણ બચાવવાં માટે હું શું કરી શકુ ?, ભારતમાં ગરીબી અને બેકારી ઘટાડવા હું શું કરી શકું ? જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતાં. આ ઉપરાંત સરપ્રાઈઝ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ પોતાના જિંદગીમાં અનુભવો વર્ણવ્યા હતાં. જેમાંથી કેટલાય એવા સંઘર્ષના કિસ્સાઓ સાંભળતા જયુરીના મહાનુભાવો પણ ભાવુક થયા હતાં અને કેટલાંક વિદ્યાર્થીઓએ પોતાની નિખાલસતાથી જ્જીસને પ્રભાવિત કર્યા હતાં. વિજેતાઓનું 7/10/2024 ના રોજ વલસાડ ખાતે ભૂતપૂર્વ શિક્ષણ અધિકારી ભુસારાજીના અઘ્યક્ષપણામાં સન્માન કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવામાં ઓએસીસ ગ્રુપના સદસ્યો તેમજ આઈપી ગાંધી સ્કૂલના આચાર્ય સુનિલભાઈ પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ તેમજ પીટી શિક્ષકે NSSના વિદ્યાર્થીઓ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓએસીસ એટલે રણદ્વિપ કે જે રણની વચ્ચે એક સુંદર મજાનો બાગ અને મુસાફરો માટે એક મોટો સહારો બની રહેતો હોય છે.હિંદીમાં જેને નખલીસ્થાન પણ કહેવામાં આવે છે. ઓએસીસ સંસ્થા પણ ભારત દેશના વિદ્યાર્થીઓ માટે રણદ્વિપની જ કામગીરી કરી રહી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં માણસ માણસાઈ ભૂલી યંત્રવત જિંદગી જીવી રહ્યો છે અને યુવાનો વ્યસન, આનંદ પ્રમાદમાં ડૂબી સમાજ અને દેશ પ્રત્યેની પોતાની ફરજો ભૂલી રહ્યા છે  ત્યારે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં એક દવાનું કામ કરશે. આશા રાખું છે કે ઓએસીસ પોતાના સારા કાર્યોમાં વધુ આગળ વધે, અને અમારી જયારે પણ જરૂર પડશે ત્યારે અમે મદદરૂપ થઈશું.