વાંસદા: વાંસદા તાલુકાના મોટી વાલઝર અને ઉપસળ ગામમાં ત્રણ દિવસમાં બે બાળા પર દીપડાએ હુમલો કરતા આ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. ઘટનાને પગલે વન વિભાગ હરકતમાં આવી દાહોદ જિલ્લાની ટીમ અને વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના સ્ટાફ સાથે જે સ્થળે બાળા ઉપર હુમલો કર્યો હતો તે વિસ્તારમાં અંદાજીત 30થી વધુ વન કર્મચારીઓએ પાંજરા, સીસીટીવી કેમેરા, ટ્રેક કેમેરા, વાયરલેસ કેમેરા અને ડ્રોન કેમેરા સહિતના સાધનો ગોઠવી દીપડાને પકડવાના પ્રયાસ હાથ ધર્યા છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ મોટી વાલઝર ગામે અંતર કમલેશભાઈ (ઉંમર વર્ષ.10) ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થતા પ્રથમ વાંસદા ખાનગી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે સુરત રીફર કરી હતી. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે. બીજા બનાવમાં મોટી વાલઝરની ઘટનાના ત્રીજા દિવસે ઉપસળના નિશાળ ફળિયામાં રહેતી સિધ્ધિ અજયભાઈ પટેલ માતા સાથે કાકાના ઘર તરફ જઈ રહી હતી. દરમિયાન દીપડાએ બાળાને પકડી પાડી હતી પરંતુ માતાએ હિંમત બતાવી દીપડા સામે બાથ ભીડી હતી. જેને પગલે દીપડો બાળાને છોડી ખેતર તરફ ભાગી ગયો હતો. આમ દીપડાના હુમલાની બે ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો હતો. વન વિભાગ વલસાડ ઉત્તરની સુચના અંતર્ગત વાંસદા પૂર્વના રેન્જ ફોરેસ્ટર જે.ડી.રાઠોડ અને પશ્ચિમ વન વિભાગના ચેતન પટેલ સ્ટાફ સાથે તથા દક્ષિણ ગુજરાતની દાહોદની નિષ્ણાત ટીમે દીપડાને ઝબ્બે કરવા માટે કામે લાગી છે. આ વિસ્તારમાં 15 પાંજરા, 10 ટ્રેક કેમેરા અને ડ્રોન કેમેરા ગોઠવ્યા છે તથા 17 વાયરલેસ, સીસીટીવીની કામગીરી હાલમાં ચાલી રહી છે. 17 ટીમોએ દીપડાને ઝબ્બે કરવા કામે લાગી છે. વન વિભાગ ગામોમાં દીપડાના હુમલાથી બચવા રિક્ષા ફેરવી વિવિધ સુચના આપી હતી.

નિષ્ણાત ટીમ દીપડાનું રેસ્ક્યું કરશે.

ઉપસળ અને મોટી વાલઝર ગામે બે બાળા ઉપર દીપડાએ હુમલો કરતા વન વિભાગ હરકતમાં આવી દીપડાને પકડવા માટે કેમેરા, વાયરલેસ કેમેરા, ટ્રેક કેમેરા લગાવી દક્ષિણ ગુજરાતની નિષ્ણાત વન વિભાગની ટીમે દીપડાને રેસ્કયું માટે 17 ટીમ કામગીરી કરી રહી છે. જે.ડી.રાઠોડ, એસીએફ, વાંસદા