માંગરોળ: માંગરોળ તાલુકાના બોરીયા ગામે હરાદ (શ્રાદ્ધ) નિમિત્તે પૂર્વજોને નવા તૂલનો (પાકનો) વાસ મૂકીને રાજી કરાયાં. ખેતરમાં લગભગ ડાંગર જેવો પાક તૈયાર થવાની તૈયારીમાં હોય છે.‌ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં હોય છે. આસો મહિનો દસ્તક દેવાની તૈયારીમાં હોય છે. એના આગલા દિવસે આદિવાસી સમુદાયના લોકો દ્વારા હરાદના પરબ (તહેવાર) ની ઉજવણી કરવામાં આવે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ખેતરમાંથી પાકમાં આવેલી ડાંગરની કંટી તોડી લાવી તેને શેકવામાં આવે છે. ત્યારપછી તેને ખાડણિયાં અથવા ઉખલામા નાખીને વાનગી બનાવવામાં આવે છે. ઘરના વાડામાં, કાકળી, ચીભળા કે શેકેલી મકાઇના ડોડા વગેરે વગેરે નવા વર્ષમાં નવો તૂલ લઇ જઈને સવારે પૂર્વજોના ખતરાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હિમારયા દેવની પણ પૂજા કરવામાં આવે છે. આમ બધાંજ પૂર્વજોની એક સાથે નવા તૂલનો અને નવા પાકનો વાશ મુકીને પૂજા કરવામાં આવે છે. ઘરમાં જ્યાં ડાંગર ખાડવાનુ ખાડણિયુ બેસાડેલુ હોય એની નજીક ઉબડે પોતાના ખેતી વપરાશમાં આવતા ખેત ઓજારો દાતરડું, દાતરડી ,કુહાડી, ધારિયું, કોદાળી, વગેરે વગેરે મુકીને તેની પૂજા કરવામાં આવે છે.

નવા ધાન્યો થી એમની પૂજા થાય છે. અને ઓજારો આગળ દિવો કરવામાં આવે છે. અને ટોપલાથી ઢાંકવામાં આવે છે. ત્યારબાદ ખેડૂત હળ, બળદગાડું ,ઓરણુ વગેરે ની પૂજા કરવામાં આવે છે. ઘરની ભીંત પર ચોખાના લોટનાં પાણી દ્વારા નાના બાળકો, યુવાનો એમના હાથથી છાપો પાડે છે. ઉપરાંત દાતરડું દાતરડી જેવા ખેત ઓજાર પણ પાડીને ઘરની ભીંત ને સુશોભિત કરવામાં આવે છે.