ઝઘડિયા: છોટુદાદાના પૌત્ર ગૌરવ વસાવાએ ધારોલીની 21 વર્ષીય મુસ્લિમ યુવતી ફઈઝા શેખ સાથે માતા-પિતા વિરુદ્ધ જઈ 27 ઓગસ્ટના રોજ હિંદુ ધર્મ હેઠળ વડોદરા ખાતે મહાદેવના મંદિરે કૂલહાર કરી બ્રાહ્મણ અને સાક્ષીની હાજરીમાં લગ્ન કરી લીધાં હતાં.

21 વર્ષની ફઈઝા મુનાફ શેખે ઝઘડિયા GIDC પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ધારોલીમાં પિતા મુનાફ બદરેમુનીર શેખ અને માતા મુન્તશીરા શેખ સાથે રહેતી હતી. તેની માતા મૂળ હિન્દુ જ્ઞાતિ (મૂળ નામ રેશ્માબેન) સાથે પિતાએ પ્રેમલગ્ન કર્યાં હતાં. બોરડા MS યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં કોલેજ કર્યા બાદ તેમના પિતાએ અભ્યાસ છોડાવી દીધો હતો. ગૌરવ વસાવા સાથે છેલ્લાં ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ હતો. વર્ષ-2021માં ગૌરવ સાથે વાત કરતાં ફઇઝાની માતાએ જોઇ લેતા પિતાએ મોબાઈલ લઇ લીધો હતો. પણ કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસ અર્થે ફરીવાર મોબાઈલ આપ્યો હતો, પણ તેના પર વોચ ગોઠવી હતી. તા.20 જુલાઈએ ગૌરવ સાથે મોબાઈલ પર વાતચીત કરતા ફરી માતા જોઈ જતાં 25 થી 30 હજારનો મોબાઈલ ફોન હાથમાંથી ઝૂંટવી તોડી નાંખ્યો હતો. તેના પિતાને આ વાતની જાણ થતાં મારઝૂડ કરી શેરડીના કોચતા વડે દીકરી ફાઝા પર એસિડ નાંખી કદરૂપી કરી નાંખીશું, પછી કઈ રીતે તને ગૌરવ લઈ જશે. અમે કહીશું ત્યાં જ લગ્ન કરવા પડશે. નહીંતર દુબઈ વેચી દઈશું. જો એમ ન થાય તો ગૌરવનું ગળું કાપી ગામમાં લઈને ફરીશું એવી ધમકી આપી હતી.

આથી ફઈઝા તેનાં માતા-પિતાના ત્રાસથી કંટાળી ગઈ હતી. ગત તા.22મી ઓગસ્ટે ફોન કરી ગૌરવને લેવા બોલાવતાં બીજા દિવસે ફોર્ચ્યુનર ગાડીમાં તેના મિત્ર નિલેશ સાથે ઘરે આવી કારમાં જતી રહી હતી. તા.27 ઓગસ્ટે યુવતીની સર્વસંમતિથી ગૌરવ સાથે હિન્દુ રીત-રિવાજ હેઠળ વડોદરા ખાતે મહાદેવના મંદિરે કૂલહાર કરી બ્રાહ્મણ અને સાક્ષીની હાજરીમાં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન કરેલી યુવતીને શંકા છે કે તેના પિતા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ભવિષ્યમાં પણ તેને અને પતિ ગૌરવને જાનમાલને નુકસાન કરે કે કરાવી શકે છે. આ બાબતે યુવતીએ ઝઘડિયા GIDC પોલીસમાં માતા-પિતા વિરુદ્ધ ધમકીની ફરિયાદ આપી હતી.