ધરમપુર: હાલમાં ધરમપુર તાલુકામાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી ચીખલી તાલુકામાં રહેતા યુવકે વારંવાર શારીરિક સંબધ બાંધ્યા બાદ ગર્ભવતી બનાવી અને હવે યુવક પોતે પહેલાંથી જ પરણિત છે એમ કહી લગ્ન ન કરવા જણાવતાં સમગ્ર કિસ્સો ધરમપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ધરમપુરના શ્રમિક પરિવારમાં રહેતી યુવતીના મોબાઇલ ફોન પર વર્ષ 2023 માં એક અણજાણ્યા નંબર પરથી મિસ કોલ આવ્યો. આ મિસ કોલ નવસારીના ચીખલી તાલુકામાં રહેતા એક યુવકનો હતો. પછી યુવકે વારંવાર યુવતી સાથે ફોન કોલના માધ્યમથી વાતચીત કરીને મિત્રતા કેળવી. મિસ કોલ થી શરુ થયેલી વાતો બાદમાં પ્રેમ સંબંધમાં ફેરવાઈ અને ચીખલીના યુવકે યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લોભામણી લાલચ આપીને ધરમપુરનાં મળવાના બહાને અલગ અલગ વિસ્તારોમાં લઇ જઇ શારીરિક સંબધ બાંધ્યા. યુવતીએ જ્યારે જ્યારે લગ્નની વાત કરી પણ યુવક કોઈને કોઈ બહાના આગળ કરી દેતો અને યુવતીની વાત ટાળી દેતો હતો.

યુવકે બાંધેલા શારીરિક સંબધના કારણે યુવતીને ગર્ભ રહી જતાં યુવતીની તબિયત બગડી અને યુવતીએ નજીકની જ સરકારી હોસ્પિટલમાં ચેક અપ કરાવતા યુવતી ગર્ભવતી હોવાનું માલુમ પડયું. બાદ યુવતીએ સમગ્ર બાબત યુવકને જણાવી અને લગ્ન કરવા અંગે વાત કરી તો યુવકે યુવતીને પોતે પરણિત હોવાનું જણાવ્યું અને પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તે બીજા લગ્ન કરી તેની બીજી પત્ની સાથે રહેતો હોવાનું જણાયું. આ અંગે સમાજના આગેવાનોને જાણ થતાં યુવક અને યુવતી વચ્ચે સમાધાન કરાવવાના પ્રયત્ન કર્યા પણ યુવક કોઈ પણ રીતે તૈયાર ન થતાં મામલો ધરમપુર પોલીસ સ્ટેશને પોહ્ચ્યો હતો બાદમાં જુલાઈ માસમાં યુવતીએ બાળકીને જન્મ આપ્યો. આ સમગ્ર મામલે ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે ધરમપુર પોલીસની ટીમને યુવક વિરુદ્ધ યુવતી અને તેના પરિવાર દ્વારા આપવામાં આવતી ફરિયાદ નોંધવા અપીલ કરી હતી. ધરમપુર પોલીસની ટીમ દ્વારા યુવકે કરેલા દુષ્કર્મ બદલ ફરિયાદ ન નોંધતા કલ્પેશ પટેલે આજે ધરમપુર ખાતે ધરણા પ્રદર્શનના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેને લઈને ગતરાત્રીએ ધરમપુર પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.