ધરમપુર: ભાજપની ગુજરાતની મોવડી મંડળ તરફથી આપેલો ટાર્ગેટ પૂરો કરવા ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા કોંગ્રેસનાં બે અગ્રણીઓને તેઓનાં મોબાઈલ લઈને તેઓની જાણ બહાર ભાજપ સભ્ય બનાવી દીધાનું બહાર આવતાં ભાજપે નીચું જોવાપણું થયું છે
ભાજપ દ્વારા હાલમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સભ્યો બનાવવાં ચોક્કસ ટાર્ગેટ આપ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે સદસ્યતા અભિયાનમાં ધરમપુરનાં મૂળ કોંગ્રેસી અને હાલ ભાજપ ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા ચાર દિવસ પહેલાં ધરમપુરના સરકારી વિશ્રામ ગૃહ ખાતે એક સમયના કોંગ્રેસી મિત્ર એવા લાકડમાળ ગામના રાજેશ પટેલ (માજી તા.પં.ના કારોબારી અધ્યક્ષ)નો મોબાઇલ લઈ ભાજપના સભ્ય બનાવી દેતાં વિવાદમાં સર્જાયો છે.
ભાજપના સભ્ય બન્યા હોવાની પોસ્ટ ગઇકાલે મંગળવારે સોશિયલ મીડિયામાં ફોટા સાથે વહેતી થતા રાજકારણ ગરમાયું. હતુ. આ બાબતે રાજેશ પટેલને પૂછતા જણાવ્યું કે, મારો ફોન અરવિંદભાઈએ લઈ તેમના મિત્રને આપી સભ્ય બનાવ્યો હતો. મને ખબર ન હોય અજાણ્યામાં સભ્ય બનાવવાની આ વાતને વખોડી હું આજીવન કોંગ્રેસ પક્ષમાં જ રહીશ એમ જણાવ્યું હતું.
આ બાબતે ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું કે, રાજેશ પટેલે મને કહ્યું હતું કે, મને નવા સભ્ય બનાવો અને ઓટીપી નંબર આપી સાથે ફોટો પણ પડાવ્યો હતો.
આવી જ ઘટના ઓઝર ગામના પીઢ કોંગ્રેસી જિલ્લા સેવા દળના પ્રમુખ રમેશભાઈ પટેલ સાથે બની. રમેશ પટેલના જણાવ્યાં મુજબ, પાર નદીના કિનારે નારેશ્વર મહાદેવ ગોકુળીયુ ગામ કાકડમતી ખાતે મંદિરના જીર્ણોધ્ધાર માટે અમે દાન લેવા માટે ગયા હતા ત્યારે ધારાસભ્ય અરવિંદભાઈ ભેગા થતા સદસ્યતા વિશે મને કોઈ જાણ કરી નહતી અને તેઓએ જણાવ્યું કે તમારા મોબાઇલમાં ઓટોપી આવ્યો છે કે કેમ ?
ત્યારે જણાવ્યુ કે મારી પાસે કોઈ ઓટીપી આવ્યો નથી, ત્યારબાદ તેમના ક્લાર્કને રમેશભાઈનો મોબાઈલ આપી કોઈ પણ મંજુરી કે જાણ બહાર સદસ્ય બનાવી દૂર ઉપયોગ કર્યો છે. હું કોંગ્રેસમાં સેવા કરતો આવ્યો છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.