દક્ષિણ ગુજરાત: વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના ઉપક્રમે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના સુરત, વારાણસી, મુંબઈ અને વાયઝાગ (આંધ્રપ્રદેશ) એમ ચાર શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાના આગવા વિઝન સાથે આગળ વધી રહી છે.

જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સાથેના સુરત ઈકોનોમિક ડેવલપમેન્ટ ગ્રોથ હબ પ્લાનનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.19/09/2024ના રોજ સવારે 10:00 વાગે લી મેરીડીયન હોટેલ ખાતે લોન્ચીંગ કરવામાં આવશે. જે કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે શહેર તથા જિલ્લાની ઈન્ડસ્ટ્રીઝ, શૈક્ષણિક સંસ્થાઓ, હેલ્થ સહિતના તમામ સેકટર્સના પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર બેઠક મળી હતી.

બેઠકમાં મ્યુ.કમિશનર અને જિલ્લા કલેકટરશ્રીએ સુરતની ક્રેડાઈ, આર્કીટેકચર, આઈટી, બેન્કર્સ, ડાયમંડ, ટેક્ષટાઈલ, ફોસ્ટા, ચેમ્બર્સ, GIDCઓ, હજીરાની કંપનીઓ, હેલ્થ સેકટર, હોટેલ એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશનો, ફુડ પ્રોસેસીંગ, જરી, એમ્બ્રોઈડરી, ફાર્મા સેકટર, વિવર્સ એસો, વકીલ મંડળ, એકવા કલ્ચર, શૈક્ષણિક સંસ્થાના વડાઓ, ચાર્ટર એકાઉન્ટન્ટસ, કંપની સેક્રેટરી, જીએમઆરસી, મેટ્રો, બુલેટ ટ્રેન જેવા 25 થી વધુ સેક્ટર્સના પ્રતિનિધિઓ સાથે તબક્કાવાર બેઠક યોજી હતી અને 2047ના વિકસિત ભારતમાં વિકસિત સુરતના વિઝન સાથે કયા કયા સેકટરમાં સુરત વધુ તેજીથી આગળ વધી શકે તે માટેના વિઝનનો પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે સંદર્ભે વિચાર વિમર્શ કરી સૌને લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવ્યું હતું. પ્લાનના લોન્ચિંગ સાથે છ સેશનમાં સેમિનારો યોજાશે, જેમાં ઈકોનોમિક રિજીયન, અર્બન, હાયર એજયુકેશન, પ્રવાસન, સસ્ટેનબિલીટી એન્ડ કલાઈમેન્ટ ચેન્જ, વિકસિત ભારતનું વિઝન, ભારત બાઝાર જેવા વિષયો પર સેમિનારો યોજાશે. જેમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંત વકતાઓ, તજજ્ઞો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદ્દો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જવેલરી, હેલ્થ, હોટેલ એસો., સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એપીએમસી, ફુડ પ્રોસેસિંગ, એકવા ફાર્મીંગ, GIDC ના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે.

સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટેના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઈકોનોમિક, સ્કીલ ટ્રેનિંગ, ડેરી-ફાર્મિંગ, ઇન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.