ડેડીયાપાડા: આજે 17 સપ્ટેમ્બરના રોજ સરકારી યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ માટે, લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે પ્રાથમિક શાળા જુના મોસદા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરી ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજર લોકો સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે અને તેના માટે તમામ લોકોએ પોતાના યોગ્ય ડોક્યુમેન્ટ સાથે રાખીને જે તે સેવાઓનો લાભ લેવાનો હોય છે. હાલ આધારકાર્ડ, રેશનકાર્ડ સહિત અનેક ડોક્યુમેન્ટ અપડેશનની કામગીરી ચાલી રહી છે. આવા કાર્યક્રમો દ્વારા સરકાર કોશિશ કરે છે કે વધુમાં વધુ લોકો સહકારી યોજનાઓનો લાભ લે, તો તેની સામે કર્મચારીઓ, પદાધિકારીઓ સહિત તમામ લોકોએ કોશિશ કરવી જોઈએ કે છેવાડાના માનવી સુધી આ તમામ યોજનાઓનો લાભ પહોંચે.
જો કોઈ ખેડૂત વીજળી પડવાથી મૃત્યુ પામે છે, કે કોઈ સર્પદંશથી મૃત્યુ પામે છે કે ઝાડ પરથી પડી જવાથી કોઈ મૃત્યુ પામે છે કે નદીમાં તણાય જાય છે તો આવા અનેક કેસોમાં ખેડૂતોને ખેડૂત અકસ્માત વીમા દ્વારા સહાય પહોંચાડવામાં આવે છે. જો કોઈ ઉપરવાસના પાણીથી તણાઈને મરી જાય છે તેમાં પણ ચાર લાખ સુધીની સહાયની યોજના છે. જો કોઈના ગાય-ભેંસ જેવા પશુઓ તણાઈ જાય છે, તો તેમની સામે પણ ખેડૂતોને વળતર આપવામાં આવે છે. મારા જેવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને અધિકારીઓએ હંમેશા કોશિશ કરવાની છે કે આ તમામ યોજનાઓનો લોકોને લાભ મળે. આ વિસ્તારમાં ઘણા બધા લોકોને આ યોજનાઓ વિશે જાણ હોતી નથી પરંતુ આપણે જેટલી એકબીજાને મદદ કરીશું તેટલા આપણને પુણ્ય મળશે.