ઝઘડીયા: આદિવાસી સમાજમાં પ્રતિભાનો સુરજ ચમકવા લાગ્યો છે એમ કહેવામાં કશું ખોટું નથી કેમ કે આદિવાસી સમાજના યુવક યુવતીઓ જુદા જુદા ક્ષેત્રમાં પોતાનું કળા-કૌશલ્ય બતાવી રહ્યા છે ત્યારે ઝઘડિયા તાલુકાનાં બલેશ્વર ગામની આદિવાસી દીકરી મુસ્કાન વસાવા BCCI દ્વારા ડોમેસ્ટિક ઈન્ટરસ્ટેટ કિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ટોપ-10માં આવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ મુસ્કાન વસાવા અંડર 16થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર વુમન ટી- 20માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી. ત્યારબાદ ઈન્ટરસ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે.

મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ મુસ્કાનનો કિક્રેટ પ્રત્યેનો લગાવ જોઈને ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. બલેશ્વર સ્થિત ગ્રાઉન્ડમાં ઝઘડીયા, નેત્રંગ તાલુકાના 70થી પણ વધુ પુરુષ-મહિલા ખેલાડીઓ મફત કોચિંગ લઈ રહ્યા છે.