કપરાડા: હાલમાં કપરાડા તાલુકામાં નાનાપોંઢા કપરાડા માર્ગ અત્યંત તૂટી જવા સાથે ઉબડ ખાબડ અને મસમોટા ખાડાઓની ભરમાર વાળો થતાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ માર્ગ ઉપર જોગ વેલ પેટ્રોલ પંપ સામે, ત્રણ રસ્તા નજીક, માંડવા કાળું નગરી, કુંભ ઘાટ નજીક, નાના પૂલ ઉપર માર્ગ ઉપરના પાણી ભરેલા ખાડાઓ જોખમી બની રહ્યા છે.
કુંભ ઘાટ નજીકના નાના પૂલ ઉપર તો એક બાજુ પોલીસે બેરિકેટ મૂકવાની ફરજ પડી છે.ખરાબ રસ્તાને લઈ વિશેષ કરી કપરાડા તાલુકામાં સરકારી કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઓફિસમાં કે શાળામાં મોડે પહોંચે તો પણ સમસ્યા ઊભી થતી હોઈ વાહન ઝડપથી ચલાવવું પડે છે. જેને લઇ નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે .જેમાં મહત્તમ બહાર આવતા નથી. શરીરને નુકશાન સાથે વાહનોને.પણ નુકશાન થઈ રહ્યું છે. આ માર્ગ ઉપર ખરાબ રસ્તાને લઈ પ્રતિદિન વાહનોની લાંબી લાઈનને લઈ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. તો બસ સેવાને પણ ભારે અસર થઈ રહી છે
નાનાપોંઢા વાપી માર્ગ ઉપર કોલક નદીનો પૂલ અને નાનાપોંઢા ધરમપુર માર્ગ ઉપર વડખભાનો પાર નદીનો પૂલ ઉપરના ખાડાઓ વાહન ચાલકોની સુરક્ષા સામે જોખમ ઉભુ કરી રહ્યા છે. આ બને પૂલ ઉપરથી સ્થાનિક રાજકીય, પદાધિકારીઓ, અધિકારીઓ પ્રતિદિન પસાર થતા હોઈ છે.છતાં ખાડાઓમાં થોડી ઘણી મેટલ નાખી કામ કરવાનો સંતોષ મની લેતા ખાડાઓ યથાવત છે.
વલસાડ જિલ્લા આપના જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિતે મીડિયાને જણાવ્યું કે કપરાડા તાલુકાના જર્જરિત રસ્તાને લઈ અકસ્માતો વધી રહ્યા છે, લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, ત્યારે જો ખાડાઓ તંત્ર ન પુરશે તો મહારાષ્ટ્ર અને ગુજરાતનો માર્ગ પર વાહન વ્યવહાર અટકાવી દઈશું. આ મુદ્દે પોલીસ,હાઇવે વિભાગ, કલેકટરને પણ આવતી કાલે જાણ કરીશું.