ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવી રીતે સરકારી અધિકારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવે છે અને કેવી રીતે આખી સરકારી સિસ્ટમને સદસ્યતા અભિયાન પાછળ ભાજપ દ્વારા લગાવામાં આવે છે તેનો ખુલાસો કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા રાજપીપળા કલેકટર કચેરી ખાતે કલેકટરને રજુઆત કરવા પહોંચ્યા હતા.

ત્યાં પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને તેમના સમર્થકોને અટકાવવાની કોશિશ કરવામાં આવી હતી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં આધારના કેન્દ્ર બંધ છે, આયુષ્યમાન કાર્ડ અને રેશનકાર્ડના સર્વરો બંધ છે, ખાડા પૂરવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ તે કામ પણ નથી થઈ રહ્યું, પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો પેન્ડિંગ છે, નલ સે જલ યોજના અંતર્ગત લોકોના ઘરે પાણી નથી પહોંચી રહ્યું, યુવાનો બેરોજગાર છે અને શિક્ષકોની ભરતી પણ કરવામાં આવતી નથી. અને બીજી બાજુ છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાજપના સદસ્યતા અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે 17 જેટલા લોકોને ગામમાં રોકવામાં આવ્યા અને તેમના આઇડી કાર્ડ જોયા તો જોવા મળ્યું કે ટીડીઓ દ્વારા એક કર્મચારીઓના કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને ઓટીપી લઇને એ લોકોની નોંધણી કરવામાં આવી હતી. ડેડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની સહિત તમામ ટીડીઓને સુચના છે. અને આ તમામના કાર્ડ પણ બન્યા છે.

દરેક જિલ્લામાં હવે ભાજપના કાર્યકર્તાઓને લોકો ઊભા નથી રહેવા દેતા માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મનરેગાને 13,000નો ટાર્ગેટ આપવામાં આવે છે, નાના સેજાવાળા તલાટીઓને 500 અને મોટા સેજાવાળા તલાટીઓને 800 ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ રીતે ડીઆરડીના કર્મચારીઓ સભ્યો નોંધણીની કામગીરી ઝુંબેશ રૂપે કરી રહ્યા છે. આ તમામ બાબતોના પુરાવા અમે ડીડીઓ, કલેક્ટર અને એસપીને આપ્યા છે.

વધુમાં જણાવ્યું કે શું નર્મદા જિલ્લાના વહીવટી તંત્રનો પગાર ભાજપના કમલમમાંથી આવે છે ? શા માટે આટલા બધા કર્મચારીઓ ભાજપના સભ્યો નોંધણી માટે ગામોમાં ફરી રહ્યા છે? આ બાબતની રજૂઆત કરવા માટે અમે આજે કલેકટર કચેરી ખાતે આવ્યા હતા. કલેકટર અને ડીડીઓ દ્વારા પાંચ દિવસમાં આ કર્મચારીઓ પર કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. જો પાંચ દિવસમાં કાર્યવાહી નહીં થાય તો અમે ફરીથી અહીંયા હજારોની સંખ્યામાં આવીશું અને ઉગ્ર આંદોલન કરીશું.

TDOને અમે પૂછ્યું તો તેમણે કહ્યું કે ડીડીઓ તરફથી સૂચના મળી છે અને ટાર્ગેટ આપવામાં આવે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે. જિલ્લાના અનેક પ્રશ્નો હોવા છતાં પણ તે કામ કરવામાં આવતા નથી અને ભાજપના સભ્યો નોંધણીના કાર્યક્રમ ચલાવવામાં આવે છે માટે અમે આ મુદ્દા પર ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમે અત્યાર સુધી જેટલા પણ આંદોલન કર્યા છે તેમાં ક્યારેય પણ સરકારી કે ખાનગી મિલકતને નુકસાન નથી કરતા. તેમ છતાં પણ કેવડિયાની અમને પરવાનગી આપવામાં ન આવી. આ જ રીતે અમે જ્યારે પણ કોઈ પ્રોગ્રામની પરવાનગી માંગીએ તો અમને પરવાનગી આપવામાં આવતી નથી. અને જ્યારે અમે રજૂઆત કરવા માટે આવીએ છીએ ત્યારે પોલીસ જાણી જોઈને ધક્કામુક્કી કરે છે.