વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના વાપી ખાતે ગુંજન ચાર રસ્તા પાસે આવેલા સ્ત્રેહદીપ કોમ્પલેક્ષમાં અસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક કલાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખના લાંચ કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતાં કર્મચારીઓના પી.એફ કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટીશ મળી હતી. સમગ્ર મામલે વાપી પી. એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો.આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદકુમાર પરમાર અને સુપ્રભાત રંજન તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. બિલ્ડર લાંચની રકમ આપવા માંગતા ન હતા અને તેમણે ગુજરાત એન્ટી કરપ્શનબ્યુરો (એસીબી) ના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી.
જેમાં અસીબીની ટીમે વાપી સ્ત્રેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી અન્ફોરસમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઈ લાંચની રકમ કબ્જે કરી હતી.