વર્ષ 2018માં વલસાડ જિલ્લાના મધુબન, નગર અને રાયમલ ગામોને વિવિધ કારણોસર કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પ્રમાણે સેલવાસમાં ત્રણેય ગામોનો સમાવેશ થનાર હતો.
ગુજરાત સરકારની અનેકવિધ કામગીરી અને વિકાસનો લાભ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મધુબન, નગર અને રાયમલ ગામોને પણ ખૂબ મળ્યો છે. આજે આ ગામોમાં વીજળી, પાણી અને ઉત્તમ આરોગ્યની સુવિધા મળી છે અને સાથે જ સ્થાનિક ખેડૂતોને પણ પૂરતી સુવિધા મળી છે. જેને પરિણામે ગ્રામજનો, સ્થાનિક પદાધિકારીઓ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ કરવામાં નિર્ણયને રદ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
વર્ષ 2024માં મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળની પરિસ્થિતિ, બહુવિધ વિકાસ, સ્થાનિક નાગરિકોની રજૂઆતો અને વિરોધને ધ્યાનમાં રાખતા બહુમતીથી આ આયોજનને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ત્રણેય ગામોને ગુજરાત રાજ્યનો જ ભાગ ગણવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી.
6 વર્ષ બાદ આવેલ આ હકારાત્મક નિર્ણયની સાથે જ ત્રણેય ગામોના નાગરિકોમાં આનંદ અને હર્ષની લાગણી અનુભવી હતી. તેમણે સૌએ વિભાગના અધિકારીઓ તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.