ચીખલી તાલુકામાં વિરામ બાદ વરસાદની શરૂઆત વચ્ચે બારોલીયા ગામમાં મધરાત્રે વાવાઝોડુ આવતાં એક જ ફળિયામાં 10થી વધુ ઘરોના પતરા ફંગોળાયા હતા. કેટલાક ખેડૂતોના આંબા કલમ પણ જમીનદોસ્ત થતા પારાવાર નુકસાન થયું હતું. ચીખલીમાં 1.02ઈંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી તાલુકામાં મધરાત્રે ગાજવીજ સાથે બે વાગ્યા બાદ તાલુકાના બારોલીયા ગામમાં વંટોળ ફુંકાતા હળપતિવાસમાં એક જ ફળિયાને ઝપેટમાં લેતા 10થી વધુ ઘરોના પતરા ફંગોળાયા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ભરચોમાસે આ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા.જેમાં સરફરાજભાઈ કરોલીયા, ઈમરાનભાઈ કરોલીયા, મીનાબેન હળપતિ, સુરેશભાઈ હળપતિના ઘરને મોટું નુક્સાન થયું હતું. આ ઉપરાંત મોહમ્મદભાઈ કરોલીયા, મુસા યુનુસ રાવતની વાડીમાં અનેક આંબા કલમના જુના વૃક્ષ ભોંય ભેગા થતાં પારાવાર નુકસાન થયું હતું.

ગામના સરપંચ અને તલાટી સહિતના સ્ટાફ દ્વારા નુકસાનીનો સર્વે કરી પંચક્યાસ સહિતની તજવીજ હાથ ધરી હતી. બારોલીયામાં તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, મદદનીશ ઈજનેર અર્પિતબેન સહિતએ પણ સ્થળ મુલાકાત કરી હતી. ઉપરવાસમાં વરસાદ વચ્ચે તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની જળ સપાટી 12 વાગ્યે 8 ફૂટ હતી, જેમાં ઝડપભેર વધારો થતાં 2 કલાકમાં જ 13 ફૂટે પહોંચી હતી. તંત્ર દ્વારા હરણગામ, હોન્ડ સહિતના કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્યા હતાં.