ડાંગ: છેલ્લાં એક અઠવાડિયાથી વરસી રહેલાં વરસાદના કારણે રાજ્ય ભરમાં ઘણું નુકશાન થયું છે ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાના લીધે ઘર વિહોણા બનેલા એક અસરગ્રસ્ત પરિવારની ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે વાઘમાળ ગામે મુલાકાત કરી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અહિંના જનજીવન ઉપર વિપરીત અસર થવાં પામી હતી. ત્યારે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે, વઘઇ તાલુકાના વાઘમાળ ગામમાં અસરગ્રસ્ત પરિવારની રૂબરૂ મુલાકાત લઇ, ઘરને થયેલ નુકશાન અંગે સંબધિત અધિકારીને માર્ગદર્શિત કરી તાત્કાલિક સહાય ચુકવણીની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતુ.
વરસાદની વિપદા સમયે જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લાના પદાધિકારીઓએ પરસ્પર સંકલન અને સહયોગ સાથે બચાવ રાહત કામગીરી હાથ ધરી, પ્રજાજનોની પડખે રહેવાનો અભિગમ અપનાવ્યો હતો. ઉલેખનીય છે કે, ડાંગ જિલ્લામાં થયેલ માનવ મૃત્યુ, પશુ મૃત્યુ તેમજ નુકસાનની અંગે સહાય ચુકવણાની કામગીરી વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.