દાનહ: વર્તમાન સમયમાં દાનહમાં છેલ્લાં કેટલાંક દિવસથી ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો.ભારે વરસાદના કારણે પહેલાથી ખરાબ રસ્તાની હાલત વધુ ખરાબ થતા દાનહની જનતા ને દાઝયા ઉપર ડામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દાનહ કલેક્ટરને મળીને ખરાબ રસ્તા અંગે રજુઆત કરીને સમસ્યા દૂર કરવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ આ દિશામાં કોઈ ઠોસ કામ થયું નથી.વિપક્ષ નેતા પ્રભુ ટોકીયાએ પણ અલતીમેટમ આપ્યું હતું પરંતુ એ બાદ તેઓ પણ કશે દેખાયા નથી. થોડા સમય પહેલા દાનહના એક કાર્યક્રમમાં આવેલ સુપ્રીમ કોર્ટના જજે પણ દાનહના રસ્તા વિશે ટકોર કરી હતી કે અહીં અમારા ડ્રાઈવરને ખાડામાં રસ્તો શોધવો પડ્યો હતો.

દાનહના નગર પાલિકા વિસ્તારમાં આંતરિક રસ્તા હોય કે રિંગ રોડ હોય,કે પછી સામરવર્ણીથી રખોલી જતો રસ્તો હોય, દાનહના બધા જ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે.વાહન ચાલકોને રસ્તા ઉપર વાહનો ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એક વાહન ચાલકે જણાવ્યું હતું કે ખરાબ રસ્તાના કારણે વાહનનું મેન્ટેનન્સ વધી ગયું છે અને સાથે સાથે કમરનો દુખાવો પણ શરૂ થઈ ગયો છે.આમ સામાન્ય લોકો ખરાબ રસ્તાથી ત્રાસી ગયા છે છતાં પણ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પેટનું પાણી પણ હાલતું દેખાઈ રહ્યું નથી ત્યારે સામાન્ય જનતાને આ સમસ્યા માંથી મુક્તિ ક્યારે મળશે એ જોવું રહ્યું.