સેલવાસ: ક્યારેક ક્યારેક વહીવટીતંત્ર બેદરકારીને કારણે સામાન્ય માણસોએ દુઃખ ભોગવવાનો વારો આવતો હોય છે એનું તાજા ઉદાહરણ સેલવાસની એકદંત સોસાયટીમાંથી સામે આવ્યું છે જેમાં તંત્રએ ખોદેલો ખાડો એક મોપેડ સવારને અંધારામાં ન દેખાતાં અને ખાડા પાસે બેરીકેડ ન હોવાથી મોપેડ સવાર ખાડામાં પડયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ 24 ઓગસ્ટ શનિવારના રોજ રાત્રે 8 કલાકે સેલવાસ રીંગ રોડ પર આવેલી એકદંત સોસાયટી પાસે મોટી દુર્ઘટના બનતા ટળી હતી. શનિવારે સવારે અહીં ડિવાઈડર પર પોલ લગાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યાં બેરીકેટ અને ચેતવણીના બોર્ડ લગાવ્યા વગર આ ખાડો ખોદીને ચાલ્યા ગયા હતા. શનિવારે આખો દિવસ વરસાદના કારણે લગભગ આઠ ફૂટ જેટલો ખાડો પાણીથી ભરાઈ ગયો હતો. રાજીવ નામનો વ્યક્તિ ભિલાડથી યોગી હિલ્સ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે વળાંક લેતી વખતે તેને આ ખાડો ન દેખાયો તેથી તે તેના સ્કૂટર સાથે સીધો આઠ ફૂટના ખાડામાં પડી ગયો.
આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્કૂટર અને આ વ્યક્તિને ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને રાજીવભાઈનો જીવ બચી ગયો. સવાલ હોવી એ થાય છે કે રસ્તાની વચ્ચે આટલો મોટો ખાડો ખોદયા પછી અહી ચેતવણી બોર્ડ, બેરિયર ફેન્સ કે વોર્નિંગ ટેપ કેમ લગાવવામાં આવી નથી.