સેલવાસ: છેલ્લાં ઘણાં સમયથી સેલવાસ નગર પાલિકા વિસ્તારોમાં વિવિધ સ્થળોએ રખડતા ઢોર જોવા મળી રહ્યાં છે અને તેના કારણે રોજ અકસ્માત થઈ રહ્યા છે જેથી રાહદારીઓ અને નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. રખડતા ઢોર રસ્તા ઉપર કબજો જમાવીને બેસી જતા ટ્રાફિક જામ થઈ રહ્યો છે.

Decision News ને મળતી માહિતી મુજબ નગર પાલિકા વિસ્તારમાં રોજ રખડતા ઢોરને કારણે અકસ્માત થઈ રહયા છે અને લોકોને નાની મોટી ઈજા થઈ રહી છે. રિંગ રોડ પર હમણાં જ અઠવાડિયા પહેલા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તથા નરોલી રોડ કસ્તુરી પાસે બી.એમ.ડબ્લ્યૂ અને ગાયને અકસ્માત થતા ગાયનું મૃત્યુ થયું હતું. ખરાબ રસ્તા અને રખડતાં ઢોરને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે.નગર પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ પરિસ્થિતિ જેમની તેમ જ છે.

નગર પાલિકાના કાઉન્સેલર સુમનભાઈ પટેલે પણ રખડતા ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદન આપ્યું હતું પરંતુ આ દિશામાં કોઈ પગલાં લેવામાં આવ્યા હોય એવી જાણકારી બહાર આવી નથી.રખડતા ઢોરને જલ્દીથી પકડીને ગૌશાળામાં લઈ જવામાં આવે અથવા તેમના માલિકોને સખત સૂચના આપીને તેમના ઘરે બાંધવામાં આવે તો ઢોરને કારણે થઈ રહેલા ટ્રાફિકજામ અને અકસ્માત નિવારી શકાય એમ છે.