કેવડિયા: થોડા દિવસ પહેલાં કેવડીયામાં ટ્રાયબલ મ્યુઝિયમમાં બે ગરીબ પરિવારના આદિવાસી યુવાને એજન્સીના કર્મચારીઓ દ્વારા જે ઢોર માર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેને લઈને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે.
એવું કહેવાય છે કે આદિવાસી સમાજના ગૌરવ માટે અને સંસ્કૃતિની ઓળખ પ્રસ્તાપિત કરવામાં માટે કેવડિયામાં ટ્રાયબલ મ્યુઝિયમ બની રહ્યું છે ત્યારે ત્યાં બાંધકામ કરવા માટે જે એજન્સીના માણસો રાખવામાં આવ્યા તે લોકોએ ભેગા મળીને ચોરીનો આક્ષેપ લગાવી બે આદિવાસી યુવાનોને ઢોર માર મારતાં એકનું ઘટના સ્થળ પર અને બીજાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જેના લઈને આદિવાસી સમાજમાં આક્રોશનો અગ્નિ ફાટી નીકળ્યો હતો. આ જ ઘટનાને ધ્યાને લઇ ગતરોજ વડોદરા ખાતે આદિવાસી સમાજના આગેવાનોએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી આગેવાનોનું કહેવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેકટમાં આદિવાસી સમાજે ખેતીલાયક જમીનો ખોવાના વારો આવ્યો છે, હવે અહીના આદિવાસી પરિવારોના દીકરાઓને ચોર ગણીને આવી રીતે માર મારીને મારી નાખવામાં આવી રહ્યા છે. જેને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કેસ માટે CBI તપાસની માંગ કરી છે.