દાનહ: એક તરફ ગ્લોબલ વોર્મિગની સમસ્યાના નિરાકરણ માટે જંગલ બચાવવા અને સંવર્ધન માટે પહેલો કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ બાથમીના આધારે દાનહના રુદાના ખાતેથી જંગલમાંથી વન વિભાગે ગેરકાયદેસર ખેરના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ વન વિભાગને મળેલી બાતમી મુજબ કેટલાક લોકો રુદાના જંગલમાં ઝાડ ચોરી કરવાના ઇરાદાથી ફરતા છે એવી માહિતી ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ને મળેલ હતી. આ મુજબ રાઉન્ડ ફોરેસ્ટ ટીમ સાથે વોચ રાખવામાં આવી હતી. તે મુજબ તારીખ 14 ઓગસ્ટના રોજ રૂદાના અનામત જંગલ સર્વે ન. 185 માં કોઈક ઈસમોએ બિન પરવાનગીથી પ્રવેશ કરી ખેર ઝાડ 8 જેટલા કાપી ટુકડા કરી 42 નંગ ગંડેરા પાડી રાખ્યા હતા જે કુલ 2.773 ઘનમીટર હતું. બાતમીના આધારે ફોરેસ્ટ પેટ્રોલીંગ દરમિયાન મુદ્દામાલ તથા આઈસર ટેમ્પો નંબર MH 04-DK-5050 સહિત પકડી જપ્ત કરવામાં આવેલ છે.
વન વિભાગની ટીમ જગ્યા પર પહોંચતા ગુન્હેગાર ટેમ્પો અને મુદ્દામાલ છોડીને અંધારું અને વરસાદનો લાભ લઈને ભાગી ગયા હતા. ફોરેસ્ટ ટીમ ખાનવેલ દ્વારા ટેમ્પો અને મુદ્દામાલ સાથે 2.773 ઘન મીટર ખેરના લાકડા પકડી જપ્ત કરવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.