છોટાઉદેપુર: આજરોજ છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આંત્રોલી જુથ ગ્રામપંચાયતમાં આઝાદીના ૭૭ વર્ષ પછી પણ ગ્રામજનો રસ્તા વિહોણા છે આ ગામોમાં રસ્તા બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
Decision News ને પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર તાલુકાનાં અતિ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલ આંત્રોલી જુથ ગ્રામ પંચાયતમાં આવેલ રસ્તા આઝાદીના ૭૭ વર્ષ પછી પણ ૧૨ (બાર) જેટલા ગામોમાં આજદીન સુધી પાકા ડામર રસ્તા બનાવવામાં આવ્યા નથી .જેના કારણે ગામલોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે .
ગામલોકોની રજુઆત છે કે તેઓના ગામોમાં ૧૨ (બાર) જેટલાં ગામોને જોડતા રસ્તાઓ ન હોવાને કારણે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. ત્યારે ઇમરજન્સી આરોગ્ય સેવાઓ-શૈક્ષણીક સેવાઓ અને જિલ્લા મથકે અવર-જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ગામોમાં અંદાજીત ૧૫ હજારની વસ્તી હોય ઉપરોક્ત તમામ રસ્તાઓ કાચા હોય જે ચાલુ વર્ષમાં નવા બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કાચા રસ્તા બાબતે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.ચોમાસા દરમ્યાન આ 12 (બાર) જેટલાં ગામોના રસ્તા બંધ થઇ જાય છે.અને અવર-જવર કરી શકાતી નથી. આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતનાં પૂર્વ સરપંચ રૂપસિંગભાઈ રાઠવા અને ગ્રામજનો દ્વારા છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપી રસ્તો બનાવી આપવા માટે માંગ કરવામાં આવી છે.

