ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગફલતભરી રીતે બેફામ હંકારી નિર્દોષ પ્રજાજનોનો જીવ જોખમમાં મુકતા ભારે માલવાહક વાહનો વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા ખેરગામ પોલિસને રજુઆત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ખેરગામ તાલુકાના પોલિસ મથકના હદવિસ્તારમાં આવતા રસ્તાઓ પર ભારે વાહનચાલકો ખાસ કરીને ડમ્પરચાલકો અતિશય ભયજનક સ્પીડે વાહનો ચલાવતા હોય છે જેનાથી કેટલાય નિર્દોષ રાહદારીઓનો જીવ જોખમમાં મુકાતા હોય છે.સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, ઉપપ્રમુખ કીર્તિ પટેલ, મહામંત્રી ઉમેશ નગીન પટેલ, સભ્યો ડો.કૃણાલ પટેલ, ભાવેશ પટેલ, ભાવિન પટેલ, ઉમેશ મોગરાવાડી, રાહુલ પટેલ, હાર્દિક, દીપેશ, મયુર, જીગર તેમજ નવસારી જિલ્લા મહાર સમાજ પ્રમુખ વિજય ઉચ્ચકટાર સહિતનાઓએ આ બાબતને ગંભીરતાથી લઇ ખેરગામ પોલિસને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે આવા બેફામ ડમ્પરચાલકો કેટલાય આશાસ્પદ નિર્દોષ વ્યક્તિઓનો જીવ લઇ લેતા હોય છે. હાલમાં જ ભુજમાં નોકરી કર્યા ટ્રાફિક પોલીસની 16 વર્ષની દીકરીનું પિતાની આંખ સામે જ મૃત્યુ થયેલ હતું. એવી જ રીતે 2 વર્ષ પહેલા એક ડમ્પરચાલકે પોતાના બાળકની છઠ્ઠીની ઉજવણી માટે દૂધ લેવા નીકળેલા યુવાનનું પણ બેફામ ઝડપે આવતા ડમ્પરે કચડી નાખવાના કારણે મૃત્યુ થયું હતું. અગાઉ 2 વર્ષ પહેલા પણ ખેરગામ પોલિસને આ બાબતની રજૂઆત કરેલ પરંતુ જે તે સમયે ખેરગામ પોલિસે ગંભીરતાથી લીધેલ નહિ હોવાનું અથવા જો કાર્યવાહી કરેલ હોય તો અમને કઈ જણાવેલ નથી. આથી અમારો ખેરગામ પોલિસને આગ્રહ છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા નિર્દોષ લોકોના જાનમાલના રક્ષણ માટે કોઈ ત્વરિત પગલાં ભરવામાં આવે.