રાજપીપલા: સાગબારાના સેલંબા ખાતે સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર સાગબારા મામલતદારશ્રી દ્વારા છાપો મારી તપાસ કરતા રૂપિયા 300,000 નો સરકારી અનાજનો જથ્થો કબ્જે કરી નર્મદા પોલીસ દ્વારા પકડાયેલા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કરવામાં આવેલી કામગીરી અંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ પત્રકાર પરિષદ યોજી હતી.

પોલીસ અધિક્ષકશ્રીએ જણાવ્યું કે, સાગબારા તાલુકા મામલતદારશ્રી એસ.જે.નિઝામાને ગત તા.19/07/2024ના રોજ સેલંબાના પાંચપીપરી રોડ ખાતે એક ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ ઘંઉનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવગે થતો હોવાની બાતમી મળતા તેઓશ્રીને બાતમીવાળા સ્થળ પર તપાસ કરતા ટાટા કંપનીનો ટેમ્પો નં. GJ-22-T-1181 માંથી સરકારી અનાજના કટ્ટા ખાલી કરવામાં આવી રહ્યા હતા. જે અનાજના કટ્ટા તપાસ કરતા સરકારી અનાજ હોવાનું જણાયું હતું. ટેમ્પોમાંથી ગોડાઉનમાં ઉતારેલો જથ્થો તમામ તપાસ કરી જોતાં સરકારી શીલ અને લાલ દોરાની સિલાઈ વાળા ઘંઉના કટ્ટા નંગ-172 તેમજ બારદારમાંથી ખાલી કરેલા ઘંઉંનો જથ્થો ચેક કરતા કટ્ટા નંગ-20 આમ કુલ- 200 નંગ ઘંઉના કટ્ટા જેનું અંદાજીત વજન 10,000/- કિલો ગ્રામ (100 ક્વિટલ) હતું. જેનું પ્રતિ કિલો ગ્રામ રૂપિયા 30 લેખે કુલ કિંમત રૂપિયા 3,00,000/-નો જથ્થો મળી આવ્યો હતો.

સરકારી અનાજનો જથ્થો ભરીને લાવનાર ટેમ્પો ચાલક રાજેન્દ્રભાઇ રામસિંગ વસાવા રહે. પાંચપીપરી તા. સાગબારા, જીલ્લો નર્મદાનાઓ ગભરાઇને ટેમ્પો સ્થળ પર મુકી નાસી ગયા હતા. આ ટાટા ટેમ્પોની તપાસ કરતા આનંદભાઇ અદેસીંગભાઈ વસાવા રહે. રોઝદેવ, તા.સાગબારા, જીલ્લો નર્મદાની માલિકીનો હોવાનું જણાયું હતું. જેઓ અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટર મનીષભાઈ ગવરચંદ શાહના પ્રતિનીધિ છે. તેમની માલિકીનો ટેમ્પો નંબર નં. જી.જે.૨૨ ટી-૧૧૮૧માં સાગબારા તાલુકાનું સરકારી અનાજ વિતરણ કરવાનું પ્રતિનિધી તરીકે કામ છે. વિતરણનું સંપુર્ણ કામ ગોડાઉન પરથી જથ્થો નિકળે અને નિયત સ્થળે પહોંચે તેની સંપુર્ણ જવાબદારી તેમની હોય છે. તેઓએ જે ટેમ્પોમાં અનાજનો જથ્થો વિતરણ કરવા માટે મોકલવાનો હોય છે. તેમાં સરકારી અનાજ વિતરણનું બોર્ડ લગાડવાનું હોય છે જે પણ લગાડેલું નહોતુ. તેમજ ટેમ્પોમાં જી.પી.એસ. સિસ્ટમ બંધ જણાઈ હતી. ડ્રાઇવરને જી.પી.એસ.લોકેશન વાળો મોબાઇલ ફોન આપવામાં આવ્યો નહોતો. જી.પી.એસ. ટ્રેકીંગ સિસ્ટમ બાબતે ડ્રાઇવરને કોઇ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી.

વધુમાં જણાવ્યું કે, આ ખાનગી ગોડાઉન બાબતે તપાસ કરતા ગોડાઉન સચિન નવનિતલાલ શાહની માલિકીનું હોય અને તેમના જણાવ્યા મુજબ, શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા(ભવરીસાવર, તા.સાગબારા)એ મૌખિક કરારથી માસિક રૂપિયા 8000/-ના ભાડે આપ્યું હોવાનું જણાવ્યું હતું. શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવાએ આ ગોડાઉન છેલ્લા બે માસથી ભાડે રાખ્યું હતું. આ ખાનગી ગોડાઉનમાં સી.સી.ટી.વી. કેમેરા પણ બંધ હોવાનું જણાયું હતું. તેમજ જયકુમાર દિનેશભાઇ વસાવા રહે.બોરડીફળી (ઉભારીયા), FPS દુકાનનાં સંચાલક હોય પકડાયેલો જથ્થો તેમની દુકાન માટે ફાળવેલા જથ્થા પૈકીનો જથ્થો ઘઉંના કટ્ટા નંગ-08 ટાટા ટેમ્પો નંબર GJ-22-T-1181માં ગોડાઉન ખાતે ઉતારવા માટે આવતા આ ઘઉંના કટ્ટા પણ જપ્ત કર્યા હતા. ગોડાઉનમાંથી અન્ય સરકારી ઘઉંના કટ્ટા કુલ-૧૯૨ આમ કુલ-200 જેટલા ઘઉંના કટ્ટા જપ્ત કરવામાં આવ્યા છે.

સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરીમાં સરકારી અનાજ સગેવગે કરનાર ભાવેશભાઇ કાનજીભાઈ ડાંગોદરા જેઓ સરકારી કર્મચારી હોય અને સાગબારા તથા ડેડીયાપાડાના સરકારી અનાજના ગોડાઉનનો ચાર્જ ધરાવે છે. તેમની ફરજ અનાજના કટ્ટા ઉપર સરકારી શીલ મારવાની તેમજ સીલાઇ દોરી બદલવાની હોય છે. તેઓએ સરકારી ધારા-ધોરણ અને નિયમ મુજબ પેકીંગમાં અને સરકારી દોરામાં ફેરફાર નહીં કરી ગેટપાસ આપી સરકારી અનાજ ખાનગી ગોડાઉન સંચાલકોને બારોબાર જથ્થો પુરો પાડી ગુનાહીત કાવતરૂં કર્યું છે.

આ સમગ્ર મામલે સાગબારા મામલતદારશ્રી એસ.જે.નિઝામાએ સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ગુનો તા.25/07/2024 નારોજ દાખલ કરવામાં આવ્યો છે. આ સરકારી અનાજના હેરાફેરી તેમજ સંગ્રહના ગુનામાં (1) ભાવેશભાઇ કાનજીભાઈ ડાંગોદરા ઇન્ચાર્જ સરકારી ગોડાઉન મેનેજર રહે.તા.ડેડીયાપાડા, અને (2) દૌલતભાઇ ભાંગાભાઇ નાઇક રહે.બેડાપાણી ફળીયુ કોલવાણ તા.સાગબારા, જીલ્લો નર્મદાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે (1) આનંદભાઈ અદેસીંગ વસાવા રહે.રોઝાદેવ તાસાગબારા, (2) શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા રહે. ભવરીસાવર તા:-સાગબારા, (3) રાજેન્દ્રભાઇ રામસિંગ વસાવા રહે. પાંચપીપરી તા. સાગબારા,જીલ્લો નર્મદા, (4) જયકુમાર દિનેશભાઇ વસાવા, ઉભારીયા રહે.બોરડીફળી (ઉભારીયા), તા-સાગબારા, (5) મનીષભાઈ ગવરચંદ શાહ, અરિહંત એગ્રો સેલ્સના પ્રોપરાઇટર રહે. ચલ થાણા, પલસાણા, સુરત અને (6) સચિન નવનિતલાલ શાહ રહે. સેલંબા,તા:-સાગબારાની અટક કરવાના બાકી છે. તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી અટકાયતના ચક્રો ગતિમાન કર્યા છે. આમાં કોઈની શેહ શરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરવામાં આવશે.