ગુજરાત: વણઉકેલાયેલાં પ્રશ્નો મુદ્દે હવે રાજ્યના આંગણવાડી બહેનો-આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચડાવવા તૈયારી કરી છે. 3 ઓગસ્ટ થી 10 ઓગષ્ટ સુધી ગુજરાતમાં 1.40 લાખ આંગણવાડી બહેનો- આશા વર્કરો પોલ ખોલ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરશે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આંદોલનાત્મક કાર્યક્રમ પછી પણ પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો અચોક્કસ મુદતની હડતાળ પાડવા નક્કી કરાયુ છે. આંગણવાડી બહેનોની રજૂઆત છેકે, છેલ્લાં છ વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. લઘુતમ વેતન રૂ.495 નક્કી કરાયુ છે જયારે આંગણવાડી બહેનોને રૂ.385 ચૂકવાય છે. સરકારને પગાર વધારો આપવામાં ખચકાટ થાય છે જયારે આંગણવાડી બહેનો સાથે નવુંનવું કામ લેવામાં આવે છે પરિણામે કામનો બોજો વધી રહ્યો છે. એટલુ જ નહીં, વર્ષ 2022માં રાજ્ય સરકારે આંગણવાડી બહેનો સાથે સમાધાન કરીને અમુક પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી તેમ છતાંય આજદીન સુધી એકેય પ્રશ્ન ઉકેલ્યો નથી. બજેટમાં પણ આંગણવાડી બહેનોના લાભને કોઈ જાહેરાત કરાઈ નથી.પડતર પ્રરનો મુદ્દે અનેકવાર રજૂઆત કરાયા પછીય સરકારના પેટનું પાણી હલતુ નથી. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળની બેઠક મળી હતી જેમાં સરકાર સામે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવા નક્કી કરાયુ હતુ.
14મીએ આંગણવાડી બહેનો-આશા વર્કરો રાત્રિ જાગરણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન પ્રદર્શિત કરશે. ધારાસભ્યો અને સાંસદોને પણ અલ્ટીમેટમ પત્ર આપવામાં આવશે. જો સરકાર પડતર પ્રશ્નો નહી ઉકેલે તો તા. 19મીથી રાજ્યમાં 1.40 લાખ આંગણવાડી બહેનો-આશા વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર જશે.