ગુજરાત: આવનાર દિવસમાં ગુજરાત સરકારના મંત્રીમંડળ આદિવાસી વેશમાં જોવા મળવાનું છે સરકારે નિર્ણય લીધો છે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ ગુજરાત સરકારનું મંત્રીમંડળ પહેરવેશ ધારણ કરવું પડશે.

ગુજરાતના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ આદિવાસી લોકોની વચ્ચે જ રહેશે અને બપોરનું ભોજન પણ આદિવાસી સમુદાયના લોકોના ઘરે કરશે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પહેરવેશ અને ભોજન પારંપરિક આદિવાસી સમુદાયનું રહેશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં 89 લાખથી વધુ આદિજાતિ વસ્તીના સર્વાંગીણ વિકાસ માટે ગુજરાત સરકારે અલગથી વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત બજેટના કુલ પાંચ સ્તંભમાં આદિજાતિ વિકાસનો પ્રથમ સ્તંભમાં જ ઉલ્લેખ કરીને આદિજાતિ વિભાગ માટે કુલ રૂ. 3,410 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં રૂ. 770.19 કરોડની રકમ માત્ર આદિજાતિના આર્થિક ઉત્કર્ષ માટે જ ફાળવવામાં આવી છે.

આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ‘વન બંધુ કલ્યાણ યોજના-2’ હેઠળ વર્ષ 2021-22 થી 2025-26 સુધીમાં રૂ. 1 લાખ કરોડની અંદાજપત્રીય જાહેરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે.  આદિવાસીઓની પ્રવૃત્તિ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખી આદિજાતિ વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતે “જ્યાં નાગરિક ત્યાં સુવિધા” નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે.