સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા, અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024’નો ગતરોજ પ્રારંભ થયો હતો.
રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ, પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. શ્રી મુળુભાઇ બેરાએ ગિરિમથક સાપુતારા ખાતે મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સાપુતારા એ ગુજરાતનું એક માત્ર હીલ સ્ટેશન છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા આ હીલ સ્ટેશન પર આવતા પ્રવાસીઓને ફરવાનાં આનંદની સાથે સાથે, એક ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ અહી જોવા મળે છે. ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન થોડોક સમય અહીં રોકાયા હતા. એ જ સમયે શબરી માતા સાથે એમનો ભેટો થયો હતો, અને શબરી માતાએ ભગવાન શ્રીરામને મીઠાં બોર ખવડાવ્યા હતા. તેમ જણાવતા મંત્રીશ્રીએ, છેલ્લા બે દાયકામાં રાજ્ય સરકારે સાપુતારાની સકલ અને સુરત બદલી નાખી છે. તેથી જ આજે સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમ કહ્યું હતું.
ભારતની પુણ્ય ભૂમિનો જયકારો લગાવતા ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે, દંડકારણ્ય ભૂમિ પર આયોજિત મેઘ મલ્હાર પર્વની, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભકામનાઓ પણ આ કાર્યક્રમને પ્રાપ્ત થઈ છે, તેમ જણાવ્યું હતું. શ્રી પટેલે વરસાદી વાતાવરણની મર્યાદાઓને કારણે, મુખ્યમંત્રીશ્રી સાપુતારા પધારી શક્યા નથી તેમ જણાવી, ડાંગના વિકાસ માટે સતત ચિંતિત રાજ્ય સરકારની વિભાવના સ્પષ્ટ કરી હતી.
ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસની પથરાયેલી ચાદર વચ્ચે રીમઝીમ રીમઝીમ વરસતા વરસાદમાં, પ્રવાસન મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને મેઘ મલ્હાર પર્વ 2024 નો પ્રારંભ કરાવ્યો હતો. ટુરિઝમ કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું પુષ્પ, અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યું હતું. ગિરિમથક સાપુતારા એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે. પ્રવાસન નિગમની હોટેલ તોરણ ખાતેથી, રંગબેરંગી પરેડ અને ભવ્ય શોભયાત્રાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, કલાકારો, મનોરંજક પાત્રો, અલગ અલગ વેશભૂષામાં સજજ કલાકારો, ડાંગી આદિવાસી નૃત્ય, તેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જ્યારે મેઘ મલ્હાર પર્વ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી ‘રેઇન રન મેરેથોન’ને પણ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
સાપુતારા આવતા પ્રવાસીઓ, ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે, અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળી રહે તે હેતુથી, કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર-શનિ-રવિ એમ જાહેર રજાના દિવસે, તેમજ સાપુતારાના મુખ્ય સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં હાંડી કાર્યક્રમનું પણ અહી, ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગ જિલ્લાના આજુ બાજુમાં આવેલા 18 જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો પણ જોવા, જાણવા, અને માણવા મળશે. જેમાં ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ મહાલ-કીલાદ અને દેવિનામાળ, ગીરા અને ગીરમાળ ધોધ, પૂર્ણા વન્યજીવ અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્ક, શબરી ધામ અને પંપા સરોવર, પાંડવ ગુફા અને અંજની કુંડ, ડોન હિલ, માયાદેવી જેવા નૈસર્ગિક પર્યટન સ્થળોની મુલાકાતનો પણ અવસર મળી રહેશે.
એક મહિના દરમિયાન અહી પર્યટકો માટે પેપર ક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન, વારલી આર્ટસ, હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ આયોજિત કરાશે. સાપુતારાનું આહલાદક વાતાવરણ અને અહીંનું કુદરતી સૌંદર્ય, હરહંમેશથી પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યું છે. ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, દરિયાની સપાટીથી લગભગ 1100 મીટરની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરીઝમ દ્વારા સાપુતારાન બગીચા, બોટ ક્લબ, મોલ રોડ, ઓડિટોરિયમ, રોપ વે અને મ્યુઝિયમ જેવી સુવિધા આપતા આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ સાથે જ, પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રેહશે.
સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રસંગે ડાંગ કલેકટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા સહિત, દેશ વિદેશના પ્રવાસીઓ, જિલ્લા અધિકારીઓ, પ્રવાસન નિગમના અધિકારીઓને, સાપુતારા અને ડાંગના નગરજનો, મીડિયા કર્મીઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.