આહવા: ડાંગમાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 106 મી.મી.વરસાદ નોંધાયો છે. જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન આહવા 77 મી.મી (મોસમનો કુલ 857 મી.મી), વઘઇમાં 77 મી.મી (મોસમનો કુલ 1065 મી.મી), સુબીરમાં 164 મી.મી (મોસમનો કુલ 926 મી.મી), મળી જિલ્લામાં સરેરાશ 106 મી.મી (મોસમનો કુલ 946 મી.મી), વરસાદ નોંધાયો છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન 99 મી.મી વરસાદ નોંધાવા પામ્યો છે. દસ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબિર તાલુકાના (1) હિંદળા થી ધુડા રોડ, અને (2) કાકડવિહીર થી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઠવી રોડ, અને (2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-1, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, અને (6) આહેરડી-બોરદહાડ રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે. જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
દરમિયાન આહવા-વ્યારા રાજ્ય ધોરી માર્ગ ઉપર તાપી જિલ્લાના હદ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને કારણે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે, રોડ બંધ કરવામાં આવ્યો હતો. સરૈયા ગામ નજીક વરસાદી પાણી રોડ ઉપર ભરાવાથી સવારની આહવા-વ્યારા-આહવા બન્ને તરફની એસ.ટી.બસોને સલામત સ્થળે રોકી દેવામાં આવી હતી. આ ઉપરાંત હિંદળા-ચિમેર રોડ ઉપર વૃક્ષો ધરાશાય થયા અને ખોખરી-કાલીબેલ રોડ પર માટી અને પત્થરોનો મલબો માર્ગ પર ધસી આવવાને કારણે લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો.